બાંદરામાં બુધવારે સવારે બનેલી ઘટના વિશે માહિતી આપતાં પોલીસે કહ્યું હતું કે અકસ્માતની આ ઘટનાનો પચીસ વર્ષનો આરોપી નોમાન સૈયદ પોતે પણ આ અકસ્માતમાં ઘાયલ થયો છે, તેના પગમાં ઈજા થઈ છે.
વિધાનસભ્યની કારને કબજે કરાઈ
કલ્યાણમાં મૉર્નિંગ વૉક માટે ગયેલા પચીસ વર્ષના સુનીલ કોળીને એક લક્ઝરી કારે અડફેટે લેતાં તેનું ઑન ધ સ્પૉટ મૃત્યુ થયું હતું. ૨૧ ઑક્ટોબરે સવારે કલ્યાણ-વેસ્ટના નિકીનગર (ગણપતિ ચોક) ખાતે આ અકસ્માત થયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે સુનીલ કોળી ઊછળીને રસ્તાના કિનારે બનેલા એક કમાન જેવા સ્ટ્રક્ચરમાં પટકાયો હતો. અડફેટે લેનાર કારનો ડ્રાઇવર કોમિલ ગાયકર તેને ટક્કર મારીને કાર ભગાવી ગયો હતો. પોલીસે આ કેસની તપાસ કરીને ગઈ કાલે તેની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં એવું જણાઈ આવ્યું છે કે જે કારે ટક્કર મારી એના પર ‘મહારાષ્ટ્ર વિધાનસભા સદસ્ય’નું સ્ટિકર લગાડેલું હતું. એથી પોલીસે હવે એ દિશામાં પણ તપાસ ચાલુ કરી છે કે ખરેખર એ કાર વિધાનસભ્યની હતી કે પછી કોઈએ એ સ્ટિકર લગાડી દીધું હતું.
વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર બે ઍક્સિડન્ટમાં બેનાં મોત
ADVERTISEMENT
વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ઍક્સિડન્ટની બે અલગ-અલગ ઘટનામાં બે જણનાં કરુણ મોત થયાં હતાં. એક અકસ્માત જોગેશ્વરીમાં થયો હતો, જ્યારે બીજો બાંદરામાં ટીચર્સ કૉલોની પાસે થયો હતો.
બાંદરામાં બુધવારે સવારે બનેલી ઘટના વિશે માહિતી આપતાં પોલીસે કહ્યું હતું કે અકસ્માતની આ ઘટનાનો પચીસ વર્ષનો આરોપી નોમાન સૈયદ પોતે પણ આ અકસ્માતમાં ઘાયલ થયો છે, તેના પગમાં ઈજા થઈ છે.
નોમાન સૈયદે કહ્યું હતું કે તે બાઇક પર વાકોલા બ્રિજથી બાંદરા તરફ જઈ રહ્યો હતો ત્યારે તેણે આગળ બાઇક પર જઈ રહેલા કેતન કટારિયાને અડફેટે લીધો હતો. બન્ને નીચે પટકાયા હતા. કેતનને માથામાં ગંભીર ઈજા થતાં તેનું ઑન ધ સ્પૉટ મૃત્યુ થયું હતું.
અકસ્માતની બીજી ઘટના જોગેશ્વરી હાઇવે પર બુધવારે મધરાત બાદ ૧૨.૧૫ વાગ્યે બની હતી. એમાં ૧૫ વર્ષના ટીનેજરે બાંદરા તરફ જતી લેન પર પૂરઝડપે બાઇક ચલાવીને, એના પરથી કન્ટ્રોલ ગુમાવીને મેટ્રોના પિલર સાથે બાઇક અથડાવી દીધી હતી. તેની સાથે તેના બે મિત્રો પણ એ જ બાઇક પર હતા. એમાંથી મોહમ્મદ ઉર્ફે શાહનું મોત થયું હતું, જ્યારે બીજા મિત્ર અલી અયુબને ગંભીર ઈજાઓ થઈ હતી.
કોસ્ટલ રોડ પર એક વર્ષમાં ૮૦,૦૦૦થી વધુ ટ્રાફિક-વાયોલેશન
ઓવરસ્પીડિંગના ૩૦,૦૦૦થી વધુ ચલાનઃ સપ્ટેમ્બર ૨૦૨૫થી ૨૦૨૬ વચ્ચે ૧૧ કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો
મુંબઈના કોસ્ટલ રોડ પર સપ્ટેમ્બર ૨૦૨૫થી સપ્ટેમ્બર ૨૦૨૬ દરમ્યાન ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન બદલ ૮૦,૦૦૦થી વધુ ઈ-ચલાન ફટકારવામાં આવ્યાં હતાં, જેમાં કુલ ૧૧ કરોડ રૂપિયા સુધીનો દંડ વસૂલવાનો સમાવેશ થાય છે. રાઇટ ટુ ઇન્ફર્મેશન (RTI) ઍક્ટ હેઠળ મળેલી માહિતીમાં આ ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આમાંથી ૩૦,૦૦૦થી વધુ ચલાન માત્ર ઓવરસ્પીડિંગ માટે આપવામાં આવ્યાં હતાં. ટ્રાફિક-પોલીસે જણાવ્યું હતું કે આ સમયગાળા દરમ્યાન કાર, વૅન અને જીપ સહિત ૨૯,૭૨૭ લાઇટ મોટર વ્હીકલ્સને ચલાન આપવામાં આવ્યાં હતાં, જેમાં કુલ ૫.૯૦ કરોડ રૂપિયા સુધીનો દંડ સામેલ છે. કોસ્ટલ રોડ પર ટૂ-વ્હીલર્સ, થ્રી-વ્હીલર્સ તેમ જ મધ્યમ અને ભારે વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ હોવા છતાં આવાં પ્રતિબંધિત વાહનોના ડ્રાઇવરોને પણ સ્પીડિંગ માટે ચલાન ફટકારવામાં આવ્યાં છે. આ ઉપરાંત ટ્રાફિક-ચિહ્નોની અવગણના કરવા બદલ ૫૦,૦૦૦થી વધુ ચલાન અપાયાં હતાં.
RTI દ્વારા મળેલા ટ્રાફિક-ઉલ્લંઘનના આંકડા
(સપ્ટેમ્બર ૨૦૨૫થી સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી)
કુલ ફટકારાયેલો દંડ : ૧૧ કરોડ રૂપિયા
ટ્રાફિક-ચિહ્નોની અવગણના : ૫૦,૦૨૪ ચલાન
લાઇટ વ્હીકલ્સ દ્વારા ઓવરસ્પીડિંગ : ૨૯,૭૨૭ ચલાન
મીડિયમ અને હેવી મોટર વ્હીકલ્સ દ્વારા ઓવરસ્પીડિંગ: ૬૨૬ ચલાન
