દર વર્ષે BMC નાળાંની સફાઈ અને ગટરો માટે અંદાજે ૨૫૦ કરોડ રૂપિયા ખર્ચે છે, પણ ઘણી વાર કૉન્ટ્રૅક્ટરો અડધુંપડધું કામ કરે છે.
પ્રતીકાત્મક તસવીર
દરે વર્ષે વરસાદ પહેલાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા નાળાંની સફાઈનું અભિયાન હાથ ધરવામાં આવે છે એમ છતાં થોડો જ વરસાદ પડે ત્યાં મુંબઈ જળબંબાકાર થઈ જાય છે. એ પછી એવા આક્ષેપો કરાતા હોય છે કે નાળાંની સફાઈ બરાબર નથી કરાતી જેને કારણે મુંબઈમાં પૂરની પરિસ્થિતિ સર્જાય છે અને મુંબઈગરાએ હાલાકી ભોગવવી પડે છે. એથી આ વર્ષે BMCએ નાળાંની સફાઈના કામ પર ડ્રોનથી નજર રાખવાનું નક્કી કર્યું છે એટલું જ નહીં, નાળાંમાંથી ગાળ (કચરો) કાઢ્યા બાદ એને ડમ્પિંગ ગ્રાઉન્ડ પર લઈ જતી ટ્રકો પર પણ ડ્રોનથી નજર રાખવામાં આવશે એમ BMCએ જણાવ્યું છે.
દર વર્ષે BMC નાળાંની સફાઈ અને ગટરો માટે અંદાજે ૨૫૦ કરોડ રૂપિયા ખર્ચે છે, પણ ઘણી વાર કૉન્ટ્રૅક્ટરો અડધુંપડધું કામ કરે છે. એના લીધે થોડા વરસાદમાં નાળાં અને ગટરો ઊભરાઈ જતાં હોય છે.
ADVERTISEMENT
BMCના ઑફિસરના કહેવા મુજબ મુંબઈમાં ૩૦૯ મોટાં નાળાં, ૧૫૦૮ નાનાં નાળાં અને ૧૩૮૦ ગટર આવેલાં છે. આ ગટરમાં દર ૬ મીટર પર એક ચેમ્બર છે અને એના પર ઝાળી બેસાડાયેલી છે જેથી બધું પાણી વહી જાય. ઘણી વાર એવું બને છે કે એ ચેમ્બરની આસપાસ ભેગો થયેલા કચરો કાઢી લેવામાં આવે છે, પણ વચ્ચેથી કચરો કાઢવામાં આવતો નથી. આ વર્ષે એવું ન થાય એ માટે એ ચેમ્બરમાં અંદર કૅમેરા નાખીને ચેક કરવામાં આવશે કે અંદરનો બધો જ ભાગ ક્લિયર થયો કે નહીં, એનું વિડિયો-શૂટિંગ પણ કરવામાં આવશે. મોટાં નાળાં સાફ કરતી વખતે પણ વિડિયો-શૂટિંગ કરાશે જેથી કામ બરોબર થાય છે કે નહીં એના પર નજર રાખી શકાશે.

