મહાનગરપાલિકાના બજેટમાં કોસ્ટલ રોડ માટે પચીસ અબજ ફાળવાશે?
કોસ્ટલ રોડ
આવતા અઠવાડિયે રજૂ કરવામાં આવનારા મુંબઈ મહાનગરપાલિકાના બજેટમાં દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ અને ગોરેગામ-મુલુંડ લિન્ક રોડના પ્રોજેક્ટ્સના ઉલ્લેખની શક્યતા છે. ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં રજૂ કરવામાં આવનારા બજેટમાં કોસ્ટલ રોડ પ્રોજેક્ટ માટે ૨૫૦૦ કરોડ રૂપિયાની ફાળવણીની શક્યતા છે. કોસ્ટલ રોડ પ્રોજેક્ટ આડેના કાનૂની અવરોધો દૂર થતાં મહાનગરપાલિકાએ હવે એ યોજના આગળ ધપાવવાનો નિર્ણય લીધો છે.
૧૩,૦૦૦ કરોડ રૂપિયાના બજેટમાં કોસ્ટલ રોડ પ્રોજેક્ટ માટે ગયા વર્ષના મહાનગરપાલિકાના બજેટમાં ૧૬૦૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા, પરંતુ એ વખતે એ પ્રોજેક્ટ પર કોર્ટનો સ્ટે ઑર્ડર હોવાથી ફાળવાયેલી રકમનો વપરાશ શક્ય બન્યો નહોતો. નીચલી કોર્ટનો સ્ટે ઑર્ડર સુપ્રીમ કોર્ટે ગયા ડિસેમ્બર મહિનામાં રદ કર્યા પછી યોજનાના અમલના દરવાજા ખુલ્લા થયા હતા.
મુંબઈ મહાનગરપાલિકાના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ‘કોસ્ટલ રોડ પ્રોજેક્ટના કામમાં ૪૮ મહિના લાગવાની શક્યતા સત્તાવાર અંદાજમાં છે, પરંતુ એ પ્રોજેક્ટનું મોટા ભાગનું પાઇલિંગ વર્ક આઠ-દસ મહિનામાં પૂરું થવાની શક્યતા છે. અમે હાજી અલી, પ્રિયદર્શિની પાર્ક અને અમરસન્સ ગાર્ડન વિસ્તારોમાં રેક્લેમેશનનું કામ શરૂ કર્યું છે. અમે રિગ પાઇલિંગ મશીન્સ મેળવ્યાં હોવાથી કામ ત્રણ ગણું ઝડપથી પૂરું થવાની શક્યતા છે. આગામી મહિનાઓમાં વધુ રિગ પાઇલિંગ મશીન્સ પણ વપરાશે.’
ADVERTISEMENT
દેવનાર વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું કામ ચાર વર્ષના વિલંબ પછી શરૂ થવાની શક્યતા છે. કેટલીક વખત ટેન્ડર્સ મગાવ્યાં પછી ૬૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ માટે સોલિડ વેસ્ટ મૅનેજમેન્ટ ડિપાર્ટમેન્ટને કૉન્ટ્રૅક્ટર કંપની મળી છે. જોકે તાત્કાલિક સ્થળ પર કામ શરૂ થવાનું નહીં હોવાથી હાલમાં પ્રાથમિક રકમની ફાળવણી કરવામાં આવી છે. મુખ્ય કામ ચોમાસા પછી શરૂ થશે.
આ પણ વાંચો : આરે કાર શેડનો રિપોર્ટ રાજ્ય સરકાર માટે બંધનકર્તા નથી : આદિત્ય ઠાકરે
કોસ્ટલ રોડના પ્રોજેક્ટ સામે માછીમાર સમુદાય તેમ જ બ્રીચ કૅન્ડી, પેડર રોડ અને મલબાર હિલ વિસ્તારોના રહેવાસીઓએ વિરોધ કર્યો હતો. એ ઉપરાંત આ યોજના સામે અનેક લોકોએ જનહિતની અરજીઓ પણ વડી અદાલતમાં કરી હતી, પરંતુ મુંબઈ મહાનગરપાલિકાને ગયા મહિને સર્વોચ્ચ અદાલતમાંથી રાહત મળી હતી.

