અજિત પવારે પોતાના 28 વિધાનસભ્ય સાથે બહુમતી મેળવવાનો દાવો કરેલો
એક વર્ષ પહેલાં વહેલી સવારે મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનના શપથ લેનારા દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર.
રાજ્યની હાલની મહાવિકાસ આઘાડીની સરકાર બની એ પહેલાં બીજેપીથી શિવસેનાએ છેડો ફાડતાં બીજેપી અને એનસીપીની સરકાર બનાવવાના પ્રયાસ થયા હતા અને દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય પ્રધાન અને અજિત પવારે નાયબ મુખ્ય પ્રધાન તરીકે પરોઢિયે શપથ પણ લીધા હતા. લેખિકા પ્રિયમ ગાંધીએ તેમના પુસ્તક ‘ટ્રેડિંગ પાવર’માં એ વખતે કઈ રીતે ચોકઠાબાજી ગોઠવાઈ હતી એનો ચોંકાવનારો ખુલાસો પુસ્તકમાં કર્યો છે. એટલું જ નહીં, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર વચ્ચેની વાતચીત જેમની તેમ એમાં રજૂ કરી છે.
પુસ્તકમાં એ ચોંકાવનારી વિગતો આપતાં લેખિકા પ્રિયમ ગાંધી કહે છે કે ‘બીજેપી રાષ્ટ્રવાદીનો સાથ લઈ સરકાર બનાવે એ માટે ગયા વર્ષે નવેમ્બરની શરૂઆતમાં જ દિલ્હીમાં અમિત શાહના નિવાસસ્થાને પહેલાં એક બેઠક યોજાઈ હતી, જેમાં અમિત શાહ, દેવેન્દ્ર ફડણવીસ, શરદ પવાર અને અજિત પવાર હાજર રહ્યા હતા.
ADVERTISEMENT
એ પછી એનસીપીના એક મોટા નેતા ફડણવીસની ઑફિસમાં જઈ તેમને મળે છે અને કહે છે કે પવારસાહેબે તેનો નિર્ણય ફેરવ્યો છે. એનો મતલબ એમ હતો કે તે બીજેપી સાથે તેઓ પહેલાં સરકાર બનાવવા તૈયાર હતા, પણ હવે એ શક્ય નથી. ચૂંટણીનાં રિઝલ્ટ જોતાં પવારસાહેબે તેમની અને પક્ષની પ્રતિષ્ઠા સચવાઈ રહે એ માટે આ નિર્ણય લીધો છે. એ સિવાય જો શિવસેનાના વડપણ હેઠળ સરકાર બનતી હોય તો કૉન્ગ્રેસ પણ તેને સપોર્ટ આપવા તૈયાર છે.
મૂળમાં અજિતદાદાએ શિવસેનાની સાથે યુતિ કરી સરકાર રચવાનો વિરોધ કર્યો હતો. જો સેનાને ટેકો આપીશું તો એનસીપી અને તેમને નુકસાન થશે એવો અંદાજ અજિત પવારે બાંધ્યો હતો. એમાં પણ પાર્થને સાઇડલાઇન કરી રોહિત પવારને આગળ લાવવામાં આવી રહ્યો હતો, જે અજિતદાદાને ખૂંચતું હતું. એ ઉપરાંત અજિત પવાર અને સુપ્રિયા તાઈ વચ્ચે પણ કોલ્ડ વૉર ચાલી રહ્યું હતું, જેના કારણે આગમાં તેલ હોમાઈ રહ્યું હતું એવો દાવો પુસ્તકમાં કરાયો છે.

