આ સમસ્યા માટે ગયા અઠવાડિયે સ્થાનિક સંસદસભ્યની હાજરીમાં પોલીસ, મ્યુનિસિપલ કૉર્પોરેશન, એનએચએઆઇ, મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓની ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી
સસુનાવઘર નજીક નૅશનલ હાઇવે પર બાંધવામાં આવેલી રેસ્ટોરાં, જ્યાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું હતું. અનુરાગ આહિરે
મુંબઈ ઃ અમદાવાદ–મુંબઈ હાઇવે પર, ખાસ કરીને વસઈ (ઈસ્ટ)ના સાસુનવઘર નજીક દબાણ વધી ગયાં છે. એને કારણે વરસાદી સીઝન દરમ્યાન પૂરની શક્યતા વધી જાય છે. નૅશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (એનએચએઆઇ)ના મુંબઈ-અમદાવાદ હાઇવેના મૅનેજર (ટેક્નિકલ) સુમિત કુમારે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે તેમણે રસ્તાની બાજુમાં ૩૦૦ અતિક્રમણ કરનારાઓને શોધી કાઢ્યા છે અને તેમને બે મહિનાના લાંબા સમય બાદ નોટિસ ફટકારી છે. કુમારે જણાવ્યું હતું કે ‘અમે ગેરકાયદે ઢાબા, રિસૉર્ટ, હોટેલ્સ, કાર વૉશિંગ, સ્પા, સલૂન્સ, સ્ટુડિયો વગેરેના દબાણનો સામનો કર્યો છે. આમાંથી મોટા ભાગનું નૅશનલ હાઇવેની જમીન પર છે અથવા તો એ જમીનનો ઉપયોગ તેમના પાર્કિંગ માટે કરવામાં આવી રહ્યો છે.’
સસુનાવઘરમાં હાઇવેની પૂર્વ ઈસ્ટ સાઇડમાં એક પર્વત છે, જ્યાં ગયા અઠવાડિયે પૂર આવ્યું હતું. વરસાદ પડે ત્યારે સ્વાભાવિક છે કે એ પાણી આ પર્વત પરથી નીચે તરફ વહે. મુંબઈ-અમદાવાદ હાઇવેની નીચે પૂર્વથી પશ્ચિમ તરફ આવતા વરસાદી પાણીને સરળતાથી પસાર થવા માટે એક પુલ પણ બનાવવામાં આવ્યો છે. કુમારે જણાવ્યું હતું કે ‘અતિક્રમણ કરનારાઓએ વરસાદી પાણીના કુદરતી માર્ગને અવરોધિત કરી દીધો છે, જેથી વરસાદી પાણી હાઇવે પર એકઠું થઈ જતાં પૂરની સ્થિતિ સર્જાય છે અને વાહનવ્યવહારને અસર થાય છે. સ્થાનિક મ્યુનિસિપલ કૉર્પોરેશને હાઇવે પર અતિક્રમણ રોકવા માટે સતર્ક રહેવું જોઈએ.’ ચોમાસાના પ્રથમ અઠવાડિયે જ પોલીસ કમર ઊંચા પાણીમાં ટ્રાફિકનું નિયમન કરતી જોવા મળી હતી.
આ સમસ્યા માટે ગયા અઠવાડિયે સ્થાનિક સંસદસભ્યની હાજરીમાં પોલીસ, મ્યુનિસિપલ કૉર્પોરેશન, એનએચએઆઇ, મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓની ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી. કુમારે જણાવ્યું હતું કે ‘મીટિંગમાં મેં વીવીએમસી કમિશનર અનિલ પવારને માર્ગ પરિવહન અને ધોરી માર્ગ મંત્રાલયની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરતાં ગેરકાયદે બાંધકામો સામે પગલાં લેવા વિનંતી કરી છે.’
ઍક્ટિવિસ્ટ અતુલ મોટેએ જણાવ્યું હતું કે, ‘મેં વીવીએમસી કમિશનર પવારને ચોમાસાની શરૂઆત પહેલાં ઘણી વખત મુંબઈ-અમદાવાદ હાઇવે પર થયેલાં અતિક્રમણ વિશે જાણ કરી હતી, પરંતુ મ્યુનિસિપલ કૉર્પોરેશને સૂચનો પર ધ્યાન આપ્યું નહોતું. હાઇવેની બાજુમાં બનેલાં ગેરકાયદે બાંધકામો સામે મ્યુનિસિપલ કૉર્પોરેશન કેમ પગલાં લેતું નથી? અને જ્યારે આ ગેરકાયદે બાંધકામો થઈ રહ્યાં હતાં ત્યારે શું એનએચએઆઇના અધિકારીઓ ઊંઘતા હતા?’
વીવીએમસીના એક સિનિયર ઑફિસરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમારા માણસો હાઇવે પર કામ કરી રહ્યા છે અને અવરોધિત વરસાદી પાણીને સાફ કરવા માટે મશીનો તહેનાત કરવામાં આવ્યાં છે.’
એમબીવીવી પોલીસના એક અધિકારીએ કહ્યું હતું કે ‘અમે અતિક્રમણ કરનારાઓ સામે એફઆઇઆર નોંધીશું. બીએમસીના અધિકારીઓ અથવા એનએચએઆઇ તેમની અતિક્રમણ વિરોધી ઝુંબેશ ચલાવે તો અમે પોલીસ આપવા તૈયાર છીએ. અતિક્રમણ વિરોધી ઝુંબેશ દરમ્યાન જો તેઓ કોઈ ઉપદ્રવ કરશે અથવા અધિકારીઓના કામમાં વિઘ્ન ઊભું કરશે તો તેમની સામે ગુનો નોંધવામાં આવશે.’


