મુંબઈ: ભંગારમાં કઢાયેલી કાર ફરી રજિસ્ટર કરીને વેચવાનું કૌભાંડ પકડાયું
પ્રતીકાત્મક તસવીર
ભારત સરકારે બીએસ-૪ વાહનોનાં વપરાશ-વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. આવાં વાહનો ભંગારમાં કાઢી નખાય છે, જેના બોગસ પેપર બનાવીને આ કાર લાખોમાં વેચવાના આરોપસર ક્રાઇમ બ્રાન્ચે ૯ આરોપીની ધરપકડ કરીને તેમની પાસેથી ૭.૧૫ કરોડ રૂપિયાની ૧૫૧ કાર જપ્ત કરી હોવાનું જાણવા મળ્યું હતું. આરોપી ગૅન્ગે આવી કાર મુંબઈ, થાણે અને મહારાષ્ટ્ર ઉપરાંત દિલ્હી, ગુજરાત, રાજસ્થાન, તેલંગણા, કર્ણાટક, હિમાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશ અને પંજાબમાં વેચ્યાં હોવાનું પોલીસની તપાસમાં જણાયું છે.
થાણે ક્રાઇમ બ્રાન્ચની ટીમને માહિતી મળી હતી કે ચેમ્બુર ખાતે ઑટોમોટિવ મૅન્યુફૅક્ચરર્સ નામની કંપનીએ મારુતિ કંપની દ્વારા ભંગારમાં કઢાયેલી ૪૦૭ કાર લિલામની પ્રોસેસ કરીને ખરીદી હતી. મારુતિ કંપની કારને ભંગારમાં કાઢતાં પહેલાં કારના ચેસીસ નંબર કટ કરી નાખે છે. આ કામ એક આરોપીને સોંપાતું હતું. જોકે આરોપી તેના સાથીઓની મદદથી ચેસીસ નંબર કટ કરવાને બદલે તેના બનાવટી ચેસીસ નંબર નાખીને જુદાં જુદાં રાજ્યની આરટીઓ ઑફિસમાં કારનું રજિસ્ટ્રેશન કરાવતો હતો. મારુતિ કંપનીની સિયાજ, બ્રીઝા, સેલેરિયો, વૅગનાર, ઇકો, બલેનો, એસ ક્રોસ વગેરે મોડેલની કાર વરસાદમાં આવેલા પૂરમાં ડૂબી જવાથી ખરાબ થઈ ગઈ હોવાનું કહીને લોકોને બેથી ત્રણ લાખ રૂપિયામાં વેચતા હતા.
ADVERTISEMENT
માહિતીને આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે સિનિયર ઇન્સ્પેક્ટર એન. બી. કોલ્હટકરની આગેવાનીમાં પનવેલ નજીકના શિરઢોણ ખાતેની એક ઑફિસમાં દરોડો પાડીને કેટલાક આરોપીની ધરપકડ કરી હતી. પોલીસને અહીંથી કાર સંબંધિત કેટલાક બોગસ ડૉક્યુમેન્ટ્સ હાથ લાગ્યા હતા. એને આધારે પોલીસે મહારાષ્ટ્ર ઉપરાંત ૯ રાજ્યમાં તપાસ કરીને ૯ આરોપીની ધરપકડ કરી હતી.

