લાઇટવેઇટ કૅટેગરીમાં રાષ્ટ્રીય સ્તરે કુસ્તી લડ્યો હોવાથી તેનું શરીર કસાયેલું છે અને આ જ કારણસર સૈફ તેના પર કાબૂ નહોતો મેળવી શક્યો
આરોપી તેમજ સૈફ અલી ખાન
અભિનેતા સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસીને હુમલો કરવાના આરોપસર પકડાયેલો ૩૦ વર્ષનો મોહમ્મદ શેહઝાદ બંગલાદેશનો રાષ્ટ્રીય સ્તરનો પહેલવાન હોવાનું જણાઈ આવ્યું છે. બંગલાદેશમાં લાઇટવેઇટ કૅટેગરીમાં તે રાષ્ટ્રીય સ્તરે કુસ્તી લડ્યો છે. તેનું શરીર કસાયેલું હોવાથી સૈફ જેવો ફિટ ઍક્ટર પણ તેના પર કન્ટ્રોલ મેળવી નહોતો શક્યો, એમ પોલીસની તપાસમાં જણાઈ આવ્યું છે.
બાંદરા પોલીસના જણાવ્યા મુજબ મોહમ્મદ શેહઝાદ સાથે સૈફનો સામનો થયો હતો ત્યારે અભિનેતાએ ઓછી ઊંચાઈ ધરાવતા શેહઝાદને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ શેહઝાદે બૅગમાંથી ચાકુ કાઢીને સૈફ પર ઉપરાઉપરી વાર કર્યા હતા. સૈફ અલી ખાને આરોપી શેહઝાદને પકડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પહેલવાન છે એટલે સૈફની પકડમાં નહોતો આવ્યો. રૂપિયાની જરૂર હતી એટલે આરોપી શેહઝાદે ચોરી કરવાનો નિર્ણય કર્યો હતો. બુધવારની રાત્રે તે શિકારની શોધમાં હતો ત્યારે તેણે સૈફ-કરીનાનું બિલ્ડિંગ બહુ ઊંચું ન હોવાથી આસાનીથી ઉપર ચડી શકાશે એમ માનીને અંદર ગયો હોવાનું પૂછપરછમાં જણાઈ આવ્યું છે.
બંગલાદેશ છોડીને ભારત શા માટે આવ્યો હતો? એવા સવાલના જવાબમાં આરોપી શેહઝાદે પોલીસને કહ્યું હતું કે ‘તે પહેલવાન હોવા છતાં બંગલાદેશમાં કામ નહોતું મળતું. આથી કામ મેળવવા માટે તે મુંબઈ આવ્યો હતો. મુંબઈમાં પોતાની ઓળખ છુપાવીને નાનું-મોટું કામ તેણે છ મહિનામાં કર્યું હતું. જોકે આવી રીતે રૂપિયા કમાવાને બદલે મોટો હાથ મારવાના ઇરાદે તેણે ચોરી કરવાનો નિર્ણય લીધો હતો.’