હવે પછી ભૂસ્ખલનને લીધે કાંદિવલીમાં હાઈ વે પર ટ્રાફિક જૅમ નહીં થાય
ગયા વર્ષે ૮ ઑગસ્ટે કાંદિવલીમાં થયેલા ભૂસ્ખલન બાદ રસ્તો સાફ કરી રહેલા કામદારો. (તસવીર: સતેજ શિંદે)
કાંદિવલીમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈ વે પર ભૂસ્ખલનને કારણે રસ્તો રોકાયાની ઘટનાના પાંચ મહિના પછી એમએમઆરડીએએ એની સફાઈ કરવાના તેમ જ એના નિવારણની યોજના તૈયાર કરી છે.
રાતભર પડેલા વરસાદને કારણે ગયા વર્ષે ચોથી ઑગસ્ટે રસ્તો કાદવ અને ભૂસ્ખલનથી પડેલા પથ્થરોથી ઢંકાઈ ગયો હતો. રસ્તાનો આંશિક હિસ્સો હજી બંધ રહ્યો હોવાથી પીક અવર્સ દરમ્યાન ટ્રાફિક જૅમની સ્થિતિ સર્જાય છે.
ADVERTISEMENT
એમએમઆરડીએના અધિકારીઓએ જણાવ્યું હતું કે ભૂસ્ખલનની વધુ ઘટનાઓ બનતી રોકવા માટે એમએમઆરડીએએ કાંદિવલીમાં બંદોગરી હિલ્સ નજીક વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર આવેલા ટાઇમ્સ ઑફ ઇન્ડિયા બિલ્ડિંગ નજીક સ્ટેબિલાઇઝેશન અને મિટિગેશન કાર્ય માટે ટેન્ડર મંગાવ્યાં છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કૉન્ટ્રૅક્ટ જેને પણ મળશે તેણે રસ્તા પરના પથ્થરો હટાવવા તેમ જ ફરીથી રસ્તા પર પથ્થરો ન પડે એ માટે અસરકારક પગલાં લેવાનાં રહેશે.
ભૂસ્ખલનની ઘટના બાદ આઇઆઇટી-બૉમ્બેએ ઘટનાસ્થળની મુલાકાત લઈ ટેક્નિકલ રિપોર્ટ આપી કેટલીક ભલામણો કરી હતી.
એના દ્વારા કરવામાં આવેલાં સૂચનોના આધારે રસ્તા પરના છૂટા પથ્થરો દૂર કરવાનું તેમ જ માટી ખસેડવાનું કાર્ય હાથ ધરાયું હતું.
આઇઆઇટી બૉમ્બે દ્વારા સુપરત કરાયેલા રિપોર્ટ અનુસાર છૂટા પથ્થરોને હટાવાયા બાદ સિમેન્ટ કૉન્ક્રીટની મજબૂત દીવાલ તૈયાર કરવાની રહેશે તથા ફરીથી ભૂસ્ખલન થતું રોકવા માટે એના પર સ્ટીલની જાળી બેસાડવામાં આવશે. આ રોડ દહિસરને પશ્ચિમી પરાંમાં બાંદરા સાથે જોડતો મુખ્ય રસ્તો છે અને મીરા રોડ, થાણે, ઘોડબંદર રોડ, અમદાવાદ વગેરેથી આવતા મોટરચાલકો બાંદરા અને દક્ષિણ મુંબઈ પહોંચવા માટે આ રોડનો ઉપયોગ કરે છે.

