Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પતિઓ સામેની કડક ટિપ્પણીથી મહિલાઓ રાજી થઈ છે

પતિઓ સામેની કડક ટિપ્પણીથી મહિલાઓ રાજી થઈ છે

Published : 22 March, 2026 07:22 AM | Modified : 22 March, 2026 08:56 AM | IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

જમાનો હવે બદલાઈ ગયો છે અને પુરુષોએ પણ કિચનમાં તથા ઘરકામમાં મદદ કરવી જોઈએ એમ કહીને સુપ્રીમ કોર્ટે ઠપકાર્યા

આ મહિલાઓ કહી રહી છે `થૅન્ક યુ સુપ્રીમ કોર્ટ`

આ મહિલાઓ કહી રહી છે `થૅન્ક યુ સુપ્રીમ કોર્ટ`


તાજેતરમાં છૂટાછેડાના એક કેસમાં સુપ્રીમ કોર્ટે પુરુષોને ફટકાર લગાવતાં ટિપ્પણી કરી હતી કે તમે કામવાળી બાઈ સાથે લગ્ન નથી કર્યાં, પતિએ પણ રસોઈ અને ઘરકામમાં મદદ કરવી પડશે. આ કેસમાં પત્ની ઘરનાં કામ યોગ્ય રીતે નથી કરતી એ ક્રૂરતા છે એવા ગ્રાઉન્ડ પર પતિએ છૂટાછેડા માગ્યા હતા. સુનાવણી દરમ્યાન ન્યાયાધીશ સંદીપ મહેતાએ ભાર મૂક્યો હતો કે ‘સમય બદલાઈ ગયો છે. આજે પતિએ પણ દરેક કામમાં યોગદાન આપવું પડશે. પત્ની હાઉસહેલ્પ નથી, તમારી જીવનસાથી છે. તમારે પણ કુકિંગમાં, ક્લીનિંગમાં, વોશિંગમાં સહભાગી થવું પડશે.’

કોર્ટ દ્વારા કરવામાં આવેલી આ કમેન્ટ્સ વિશે મહિલાઓ શું માને છે અને એનાથી વાસ્તવિક જીવનમાં શું ફરક પડશે એ તેમને જ પૂછીએ.



ભાવિકા ઝંઝારકિયા, HR પ્રોફેશનલ, દહિસર


નોકરિયાત મહિલાઓ માટે કોર્ટની આ ટિપ્પણી ખૂબ મહત્ત્વની છે જે સામાજિક માન્યતાઓ અને વાસ્તવિક જીવનને પ્રતિબિંબિત કરે છે. અદાલતના બોલ્ડ ફેંસલા અને સ્ટેટમેન્ટથી સમાજમાં પરિવર્તન દેખાય છે. સ્ત્રીઓ દરેક મોરચે લડી રહી છે. કારકિર્દીમાં આગળ વધવાની સાથે ઘર સંભાળવું, બાળકો ઉછેરવાં અને કૌટુંબિક સંબંધો સાચવવા તેને પુરુષનો સહકાર જોઈએ છે. સામાજિક સંતુલન જાળવવા પતિએ ઘરકામમાં સક્રિયપણે ભાગ લેવો પડશે. કાનૂની પ્રણાલીઓ અને અદાલતો મહિલાઓના અધિકારોને વધુ ને વધુ સમર્થન આપી રહ્યાં છે એ માટે એમનો આભાર માનવો જ રહ્યો. ઘરની જવાબદારી માત્ર મહિલાની નથી એ સમજવાનો સમય પાકી ગયો છે.

ઇનાયા મહેતા, ફાઇનૅન્શિયલ ઍડ્વાઇઝર, બોરીવલી


અદાલતે પુરુષને હેલ્પિંગ હૅન્ડ બનવાની સલાહ આપી એ વેલકમિંગ છે. પતિ-પત્ની મળીને કામ કરે તો મહિલાઓનું બર્ડન ઓછું થઈ જાય. પત્ની બહાર જઈને કામ કરે અને ઘરે આવીને થાળી પણ પીરસી આપે એવી અપેક્ષા આજના સમયમાં નથી ચાલવાની. પતિએ સમજવું પડશે કે પત્ની કિટી પાર્ટીમાં ગેમ રમવા નથી જતી. તેનાં પણ પ્રોફેશનલ કમિટમેન્ટ્સ છે, તેને ઘરે આવતાં મોડું થાય. અદાલતની ટિપ્પણીથી ચોક્કસ ફરક પડશે. જોકે પુરુષો પણ આ સમજે છે. જે પુરુષ પત્નીને મદદરૂપ થવા નથી જ ઇચ્છતો તેને કોર્ટનો ડર બતાવીને કામ નહીં કરાવી શકાય. આ મુદ્દો મ્યુચ્યુઅલ અન્ડરસ્ટૅન્ડિંગનો છે.

ડિમ્પલ શાહ, ટ્યુશન-ટીચર, કાંદિવલી

આ ટિપ્પણી કરીને સુપ્રીમ કોર્ટે મહિલાઓેને રિસ્પેક્ટ આપ્યો છે. કમેન્ટ્સમાં ઘરકામ અને રસોઈની સાથે ફાઇનૅન્શિયલ મૅટર પર પણ ભાર મૂક્યો હોત તો સોનામાં સુગંધ ભળી હોત. આજના યુગમાં માત્ર ઘરકામ નહીં, ફાઇનૅન્શિયલ મૅટરમાં પણ બન્નેનો એકસરખો રોલ હોવો જોઈએ. જોકે એનાથી ફરક પડશે કે નહીં એ કહેવું મુશ્કેલ છે. ભારતીય સમાજમાં આજે પણ રસોઈ મહિલાઓએ બનાવવી જોઈએ એવો આગ્રહ રાખનારો મોટો વર્ગ છે. પતિ મદદ નહીં કરે તો કોર્ટનો ભય બતાવીને મહિલાઓ ઘરની શાંતિ ભંગ નહીં કરે. તેઓ પતિ પાસે અપેક્ષા રાખવા કરતાં પૈસા આપીને કામ કરાવી લેવાનું વધુ પસંદ કરશે. ઘરની અંદર સ્વેચ્છાએ અમલીકરણ થાય તો કામનું.

વૈશાલી શાહ જાયસવાલ, આર્ટ-ટીચર, મલાડ

પત્ની નોકરાણી નથી, પતિએ પણ રસોઈમાં મદદ કરવી પડશે. આ પડશે શબ્દ પર અદાલતે જે ભાર મૂક્યો છે એ કમાન્ડિંગ લાગે છે. વાસ્તવિક જીવનમાં ફરજિયાત કરાવી નહીં શકાય, પણ બદલાવ આવશે એવી અપેક્ષા રાખી શકાય. જીવનસાથીને મદદરૂપ થવું દામ્પત્યજીવનની ફરજનો એક ભાગ છે. ભારતીય પુરુષ પોતાના મનથી આ વાત સમજે એ આજના સમયની જરૂરિયાત છે. અગાઉ પુરુષો પાણીનો ગ્લાસ પણ નહોતા ભરતા તો ચાલતું હતું, પણ હવે નહીં ચાલે એ વિષય પર અદાલતે વાજબી ટિપ્પણી કરી છે. મારા ઘરમાં સવારની ચા હસબન્ડ બનાવે છે અને હું વ્યસ્ત હોઉં તો શાક પણ બનાવી લે છે.

ભૂમિ લાખાણી, સૉફ્ટવેર એન્જિનિયર, મુલુંડ

નોકરિયાત હોય કે ગૃહિણી, દરેક મહિલા આવા નિવેદનની રાહ જોતી હતી. અદાલતે લાંબા સમયથી દબાયેલી મહિલાઓના અવાજને વાચા આપી છે, તેના દિલની વાત કરી છે. પતિની મદદની માત્ર વર્કિંગ મહિલાને જ જરૂર હોય એવું નથી. ગૃહિણીઓના માથે રસોઈની, વડીલોની, બાળકોના ભણતરની અને સામાજિક સંબંધો સાચવવાની જવાબદારી હોય છે. આ ભાગદોડમાં તેનો મી-ટાઇમ છીનવાઈ જાય છે. પતિ ઘરકામમાં ફાળો આપશે તો તે પોતાના માટે થોડો સમય કાઢી શકશે. રસોઈ સ્ત્રીની જવાબદારી છે એ કન્સેપ્ટ ચેન્જ થવો જોઈએ. એક તબક્કો આવે છે જ્યારે સ્ત્રીની સહનશીલતા પૂરી થઈ જાય છે. કોર્ટની ટિપ્પણીનો મહિલાઓ હથિયાર તરીકે ઉપયોગ નથી કરવાની, પણ બદલાવની અપેક્ષા રાખશે. અદાલતના નિવેદનને પતિ-પત્નીએ ઊંડાણપૂર્વક સમજીને સ્વીકારવું જોઈએ.

પૂર્ણિમા કોટક, પૅથોલૉજિસ્ટ, માઝગાવ

ઘરકામ, રસોઈ કે બાળઉછેર... દરેક કામમાં સ્ત્રીઓનો હંમેશાં સિંહફાળો રહ્યો છે. તેના ખભા પર જવાબદારીઓ વધુ રહી છે. જોકે સમયની સાથે બદલાવ આવ્યો છે. આજનો પુરુષ સ્વેચ્છાએ જવાબદારી સ્વીકારવા લાગ્યો છે છતાં ક્યારેક અદાલતને આવી ટિપ્પણી કરવાની જરૂર પડે છે. પ્રોફેશનલ કમિટમેન્ટ્સને કારણે પત્નીને લાંબા કલાકો બહાર કામ કરવાનું હોય તો પતિએ રાંધી લેવું જોઈએ એમાં ખોટું શું છે? ઘરનાં કે બહારનાં કામમાં જેન્ડર-બાયસ નથી રહ્યો. સ્ત્રી-પુરુષ સમાનતાને અનેક રીતે મૂલવી શકાય. પરસ્પર સંમતિ અને સમજૂતી હોય ત્યાં અદાલતની દખલગીરીની જરૂર ન પડે. જોકે અદાલતે કહ્યું છે એટલે કરવું પડશે એવું ન હોય. દરેક પુરુષને એક લાકડીએ મારી ન શકો. કોઈ સ્ત્રી એનો દુરુપયોગ કરશે તો સામાજિક વ્યવસ્થા પડી ભાંગશે.

દીપિકા પટેલ, સ્પોર્ટ્‍સ-ટીચર, ચેમ્બુર

પુરુષોએ પણ ઘરકામ કરવાં જોઈએ એવો કાયદો જ ઘડી નાખો હવે. જે પુરુષોને રસોઈ નથી આવડતી તેઓ ઘરની સાફસફાઈમાં મદદ કરે. કોર્ટે બરાબર ઝાટકણી કાઢી. સ્ત્રી ઘર સાચવે અને કમાઈને પણ લાવે એ શક્ય નથી. ઘરકામની વહેંચણીમાં પણ સમાનતા જોઈએ. જોકે સ્ત્રીઓએ પોતે જાગવાની જરૂર છે. ઘણી સ્ત્રીઓ સ્વીકારી લે છે કે ઘરની જવાબદારી તેમની એકલાની છે. અદાલતની ટિપ્પણી સમયોચિત છે. પતિને કે સાસુ-સસરાને આ વાત સમજાવી શકશે તો જીતી જશે, નહીં તો અદાલતનું નિવેદન કાગળ પર રહી જશે. મારા હસબન્ડને રસોઈ નથી આવડતી પણ બીજા ઘણાં કામ કરે છે. આગળ જતાં પુરુષોના માથે ઘરની જવાબદારી વધશે એટલે દીકરાને પણ રસોઈ શીખવી રહી છું.

ક્રિષ્ના વડોદરિયા, હોમમેકર, ઘાટકોપર

હું અત્યારે ગૃહિણી છું પણ નોકરીનો અનુભવ છે. પતિના બિઝનેસમાં મદદરૂપ થઉં છું. બહાર જઈને કામ કરતી મહિલાને પુરુષ જેટલો જ થાક લાગે છે. બાળઉછેરમાં પપ્પા રસ નહીં લે તો બૉન્ડિંગ કેમ થશે? તમારું બાળક તમને જોઈને શીખે છે. અદાલતની ટિપ્પણીથી સ્ત્રીઓને ચોક્કસ આનંદ થયો છે, પણ પુરુષોએ એને વધુ પૉઝિટિવ રીતે લેવાની જરૂર છે. સ્ત્રીની જેમ મલ્ટિ-ટાસ્કિંગ ભલે ન હો, કોશિશ તો કરો. અદાલતે પુરુષને તક આપી છે એ બતાવવાની કે તમે પત્નીની કૅર કરો છો. અત્યારનો સમય મહિલાઓ માટે ઘણો સારો છે. નવી વહુને સાસુ-સસરા શિ​​િક્ષત મળ્યાં છે એટલે આ બાબતને લઈને ફાઇટ કરવાની જરૂર નહીં પડે. બદલાવ માત્ર અદાલતની ટિપ્પણીથી નથી આવતો, શિક્ષણ અને સમજદારીથી આવે છે.

 

Whatsapp-channel Whatsapp-channel

22 March, 2026 08:56 AM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK