જબલપુર-નાગપુર હાઇવે પર પસાર થતી વખતે એક મકાનની છત પર તમને મોટી ટ્રક જોવા મળશે
મકાનની છત પર મોટી ટ્રક
જો માણસ પાસે જોઈતા પૈસા હોય તો તે મનગમતો શોખ પૂરો કરી શકે. મધ્ય પ્રદેશના જબલપુરમાં રહેતા અમરકાંત પટેલ નામના ભાઈએ પણ બે પાંદડે થવાની સાથે જ પોતાનો ટ્રકનો શોખ પૂરો કરી દીધો. જબલપુર-નાગપુર હાઇવે પર પસાર થતી વખતે એક મકાનની છત પર તમને મોટી ટ્રક જોવા મળશે. આ ટ્રક છે અમરકાંત પટેલનો પહેલો પ્રેમ. ટ્રકના ક્લીનર તરીકે કામની શરૂઆત કરનાર અમરકાંત ટ્રકના માલિક થઈ ચૂક્યા છે અને આ સફરમાં તેમની ટ્રક સાથે એટલે ગહેરી દોસ્તી થઈ ગઈ કે ન પૂછો વાત. તેમણે પહેલી ટ્રકના પ્રેમને કારણે એને પોતાના બીજા માળના ઘરે છત પર ચડાવી દીધી છે. ટ્રક હજીયે ચાલુ કન્ડિશનમાં છે. માત્ર દસમી ચોપડી પાસ અમરકાંતને ઘરમાંથી ખૂબ સાંભળવું પડતું હતું. ઘરની જમીન ખૂબ નાની હતી એટલે બીજે મજૂરી કરવા જ જવી પડે એમ હતી એટલે તેણે ટ્રકના ક્લીનર તરીકે કામ શરૂ કર્યું.
નાની ઉંમરમાં જ ટ્રકના ક્લીનર તરીકે કામ કરીને તેણે મહિનાઓ સુધી પરિવારથી દૂર રહેવું પડ્યું. જોકે એને કારણે તેને ટ્રકો સાથે એક લગાવ થઈ ગયો. એ પછી તેણે ટ્રક ચલાવવાનું પણ શીખ્યું. એ પછી તેમણે પોતાની જેમ બીજા લોકોને પણ ટ્રક ચલાવવાનું શીખવવાનું શરૂ કર્યું અને પછી પોતાની ટ્રક ખરીદીને એને ચલાવવાનું શરૂ થયું. બીજા લોકોને લાખો રૂપિયાની ટ્રક ખરીદવામાં મદદ કરવાનું શરૂ કર્યું અને બૅન્ક-લોન લઈને સપનું પૂરું કર્યું. આ જ કામમાં કાઠું કાઢીને અમરકાંતે ૨૦૧૭માં જબલપુર-નાગપુર હાઇવે પર લગભગ ૧૦,૦૦૦ સ્ક્વેરફુટની જમીન ખરીદીને બે માળનું મકાન બનાવ્યું. ઘર બની ગયા પછી તેમણે પોતાની ક્લીનર તરીકે કરીઅર શરૂ કરેલી એ પહેલી ટ્રકને ઘરની છત પર ચડાવી દીધી છે. તેમનું કહેવું છે કે આ ટ્રક જ તેમની સાચી સાથી છે જેણે તેમને એક પરિવારની જેમ સાચવીને બે પાંદડે કરવાનું કામ કર્યું છે.


