ફેમસ થવા માટે આવો ધમકીભર્યો ફોન કરનાર આરોપીને ગુજરાતથી ઝડપી લેવાયો
ફાઇલ તસવીર
બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી)માં આવેલી ધીરુભાઈ અંબાણી ઇન્ટરનૅશનલ સ્કૂલમાં ટાઇમ-બૉમ્બ મુકાયાનો ધમકીભર્યો ફોન મંગળવારે સાંજે ૪.૩૦ વાગ્યે લૅન્ડલાઇન પર આવ્યો હતો. એ કેસમાં ઝડપી તપાસ કરીને બીકેસી પોલીસે કૉલ કરનાર આરોપીને ગઈ કાલે ગુજરાતથી ઝડપી લીધો હતો. તેની લઈને પોલીસની ટીમ મુંબઈ પાછી ફરી રહી છે.
સ્કૂલમાં ટાઇમ-બૉમ્બ મુકાયો છે એમ કહી કૉલર વિક્રમ સિંહે ફોન કાપી નાખ્યો હતો. જોકે એ પછી ફરી તેણે સ્કૂલના ગેટ પર ફોન કરીને એ વાત દોહરાવી હતી અને કહ્યું હતું કે તેનું નામ વિક્રમ સિંહ છે અને તે ફેમસ થવા આ કરી રહ્યો છે. આ બાબતને ગંભીરતાથી લઈને સ્કૂલ તરફથી તરત જ લોકલ બીકેસી પોલીસ સ્ટેશનમાં આ સંદર્ભે ફરિયાદ કરાઈ હતી. બીકેસી પોલીસે બૉમ્બ ડિટેક્શન ઍન્ડ ડિસ્પોઝલ સ્ક્વૉડ દ્વારા આખી સ્કૂલની ઝીણવટભરી તપાસ કરી હતી, પણ કશું પણ શંકાસ્પદ મળી આવ્યું નહોતું અને એ હૉક્સ કૉલ હોવાનું જણાઈ આવ્યું હતું. બીકેસી પોલીસે એ ફોન ક્યાંથી આવ્યો હતો અને કોણ કર્યો હતો એની ઝડપી તપાસ કરી હતી. એ ફોન ગુજરાતથી કરાયો હોવાનું જણાઈ આવતાં બીકેસી પોલીસની એક ટીમ આરોપીને ઝડપી લેવા ગુજરાત ગઈ હતી.
ADVERTISEMENT
બીકેસી પોલીસ સ્ટેશનના અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ કૈલાશચંદ્ર આવ્હાડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી ટીમ આરોપી સુધી પહોંચી ગઈ હતી અને તેને ઝડપી લીધો હતો. હવે ટીમ તેને મુંબઈ લાવી રહી છે. તેની પૂછપરછ બાદ વધુ વિગતો મળી શકશે કે તેણે આ શા માટે કર્યું હતું.’
ગયા વર્ષે રિલાયન્સ ફાઉન્ડેશનની એચ. એન. રિલાયન્સ હૉસ્પિટલને અને મુકેશ અંબાણીના પરિવારને ઉડાવી દેવાનો ધમકીભર્યો ફોન આવ્યો હતો.