મલાડ-વેસ્ટની મામલતદારવાડીમાં આવેલી અંજલિ કિચનવેરની ઑફિસમાંથી ગઈ કાલે વહેલી સવારે ૧૦ લૅપટૉપ સહિત રોકડ રકમની ચોરી થઈ હોવાની ફરિયાદ મલાડ પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ હતી
પ્રતીકાત્મક તસવીર
મલાડ-વેસ્ટની મામલતદારવાડીમાં આવેલી અંજલિ કિચનવેરની ઑફિસમાંથી ગઈ કાલે વહેલી સવારે ૧૦ લૅપટૉપ સહિત રોકડ રકમની ચોરી થઈ હોવાની ફરિયાદ મલાડ પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ હતી. આરોપીએ બાથરૂમનો કાચ તોડી ઑફિસમાં ઘૂસીને ચોરી કરી હતી. ચોરી કર્યા બાદ આરોપી પાછો બાથરૂમમાંથી જ બહાર ગયો હોવાનો પોલીસનો અંદાજ છે. આ કેસમાં પોલીસ નજીકના વિસ્તારમાં લાગેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસી રહી છે.
ચોરી થઈ ત્યારે ઑફિસના કામદારો અંદર જ સૂતા હતા. આરોપી કઈ રીને અંદર ઘૂસ્યો અને ચોરી કરી એની માહિતી અમે કઢાવવાની કોશિશ કરી રહ્યા છીએ એમ જણાવતાં મલાડના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર વિજયકુમાર પન્હાળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે વહેલી સવારે ઑફિસમાં કામ કરતો એક કામદાર જાગ્યો ત્યારે તેનો મોબાઇલ ન મળતાં શોધખોળ કરી ત્યારે ઑફિસમાંથી કૅશ ૫૦૦૦ રૂપિયા અને લૅપટૉપ ચોરાયાં હોવાની જાણ થઈ હતી. આ મામલે અમે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.’