ભીડીંબજારમાં રહેતાં ગૌરી પરમાર અમદાવાદમાં ગુજરાતી મીડિયમમાં ભણેલાં, પણ અહીં મરાઠી મીડિયમમાં નાઇટ-સ્કૂલમાં ભણીને પરીક્ષા આપી
ગૌરી પરમાર નાઇટ-સ્કૂલિંગ કરતાં હતાં એની તસવીર
ભીંડીબજારમાં રહેતાં ગુજરાતી મહિલા અનેક લોકોને પ્રેરણા આપી શકે એવો કિસ્સો છે. તેમણે અમદાવાદમાં આઠમું ધોરણ કરીને સ્ટડી છોડી દીધા બાદ છેક ૩૦ વર્ષ પછી નવમાની અને હવે દસમા ધોરણની પરીક્ષા આપીને સફળતા મેળવી છે. દસમાની એક્ઝામ આપતી વખતે બે દિવસ પહેલાં સાસુ ગુજરી ગયાં હોવાથી વહુ તરીકે અઢળક જવાબદારીઓ હોવા છતાં અનેક કસોટીનો સામનો કરીને પણ બાળકો અને પતિની મદદથી તેમણે એક્ઝામ આપી હતી. તેમણે બેસ્ટ ફાઇવના આધારે ૫૦૦માંથી ૨૧૩ માર્ક્સ મેળવી ૪૨.૬૦ ટકા મેળવ્યા છે.
ભીંડીબજારમાં શાલીમાર હોટેલની સામે આવેલા લક્ષ્મીનારાયણ ટાવરમાં રહેતાં ૪૫ વર્ષનાં ગૌરી પરમારનાં પંદરમા અને ૧૪મા ધોરણમાં ભણતાં બે બાળકો છે. ગૌરી પરમાર અમદાવાદમાં રહેતાં હતાં. આઠમું ધોરણ ભણીને કાકાને ત્યાં મુંબઈ રહેવા આવ્યા પછી તેમનું ભણવાનું છૂટી ગયું હતું અને નાની ઉંમરે લગ્ન થયાં હતાં. જીવનમાં ક્યારેય વિચાર્યું નહોતું કે પાછું ભણીશ એમ જણાવીને ગૌરી પરમારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા જીવનમાં સ્ટડી જેવો વિષય પાછો આવશે એ સપનામાં પણ વિચાર્યું નહોતું. અમદાવાદમાં ગુજરાતી મીડિયમથી ભણી હતી અને મારા ઘરની પાસે આવેલી નાઇટ-સ્કૂલ મરાઠી મીડિયમની હતી. બાળકો અને પતિ ભણવા માટે ખૂબ આગ્રહ કરીને સમજાવતાં કે લાઇફમાં આગળ વધવા ભણવું ખૂબ જરૂરી છે. એથી લગ્નનાં ૩૦ વર્ષ બાદ ભણવાનું શરૂ કર્યું અને પહેલાં નવમા ધોરણની એક્ઝામ આપી. દરરોજ સાંજે સાડાછ વાગ્યાથી સાડાનવ વાગ્યા સુધી સ્કૂલમાં જતી. સવારે સાડાછ વાગ્યે કામ પર જતી. બપોરે ઘરે આવી જમીને રાતનું જમવાનું બનાવીને સાંજે સ્કૂલમાં જતી હતી.’
ADVERTISEMENT
દસમાની એક્ઝામ વખતે અનેક ચૅલેન્જ આવી હતી એમ જણાવીને ગૌરી પરમારે કહ્યું હતું કે ‘કામ પર જવું અને ઘર સંભાળીને બાળકોનું ધ્યાન રાખવું, એની સાથે જમવાનું બનાવીને સ્કૂલમાં જવું આ બધામાં વાંચવાનો જરાય સમય મળ્યો નહોતો. સ્કૂલમાં જે ભણાવતા એ જ બસ. એમાં પણ મારા હાથમાં ફ્રૅક્ચર થયું હતું અને ત્યાર બાદ મારા પતિ પૅરૅલાઇઝ્ડ થઈ ગયા હતા. આ બધી પરિસ્થિતિમાં ભણવું અશક્ય થઈ ગયું હતું. આટલું ઓછું હોય એમ એક્ઝામના બે દિવસ પહેલાં મારાં સાસુ ગુજરી ગયાં હતાં. ઘરમાં મહેમાનો અને એમાં એક્ઝામ કેવી રીતે આપવી એ પ્રશ્ન હતો. આમ છતાં પતિએ હિંમત આપી હોવાથી હું એક્ઝામ આપવા ગઈ હતી. આગળ હું કદાચ અગિયારમું અને બારમું ભણવાની છું, કારણ કે બાળકો મને ભણવા પ્રોત્સાહિત કરી રહ્યાં છે.’


