ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં કૃષિ ઉદ્યોગસાહસિક તરીકેની પોતાની સમજદારી શૅર કરવા માટે આમંત્રણ મળ્યું છે
રવીન્દ્ર મેટકર
મહારાષ્ટ્રના એક ખેડૂતને એક સમયે કપડાં ખરીદવાનું પોસાય એમ નહોતું, પરંતુ ધીમે-ધીમે તેણે પૉલ્ટ્રી ફાર્મનું સામ્રાજ્ય બનાવ્યું જેનું વાર્ષિક ટર્નઓવર હવે કરોડો રૂપિયામાં છે. તેને ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં કૃષિ ઉદ્યોગસાહસિક તરીકેની પોતાની સમજદારી શૅર કરવા માટે આમંત્રણ મળ્યું છે.
અમરાવતી જિલ્લાના મ્હસાલા અંજનગાંવ બારી ગામના ૫૭ વર્ષના રવીન્દ્ર મેટકરને પહેલીથી પાંચમી મે દરમ્યાન યુકેમાં ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં ‘AI ફૉર એવરી માઇન્ડ’ થીમ સાથે યોજાનારી ગ્લોબલ રિસર્ચ કૉન્ફરન્સમાં બોલવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
ADVERTISEMENT
આ કૉન્ફરન્સનું આયોજન ગ્લોબલ ઇકૉનૉમિક ફોરમ (GEF) દ્વારા યુનિવર્સિટીના સહયોગથી કરવામાં આવી રહ્યું છે.
રવીન્દ્ર મેટકરે ૧૯૮૪માં પોતાના ઘરની ટેરેસ પરથી પૉલ્ટ્રી ફાર્મનો વ્યવસાય શરૂ કર્યો હતો. ત્યારે તે હજી જુનિયર કૉલેજમાં ભણતો હતો. તેણે તેના પિતા પાસેથી ૩૦૦૦ રૂપિયાના ભંડોળથી શરૂઆત કરી હતી. તે વનવિભાગમાં ક્લાસ ૪ના કર્મચારી તરીકે સેવા આપતો હતો. ત્યારે તેણે નાના ફાર્મમાં ફક્ત ૧૦૦ મરઘા સાથે શરૂઆત કરી હતી. એ પછી કૉમર્સમાં માસ્ટર્સની ડિગ્રી પૂરી કર્યા પછી તેણે બૅન્કમાંથી પાંચ લાખ રૂપિયાની લોન લીધી અને ૪૦૦૦ મરઘાનો ઉછેર શરૂ કર્યો. અનેક મુશ્કેલીઓમાંથી માર્ગ કરીને આગળ વધ્યો અને હવે તે સેટલ્ડ પૉલ્ટ્રી ફાર્મ ઓનર છે. તેણે કહ્યું હતું કે ‘હાલમાં મારી પાસે કોઈ બૅન્ક-લોન નથી અને હવે ૫૦ એકર જમીનમાં ફેલાયેલા અમારા મરઘા ફાર્મમાં ૧,૮૦,૦૦૦ મરઘા છે જેનું વાર્ષિક ટર્નઓવર ૧૫ કરોડ રૂપિયા છે. એ સિવાય ઘઉં અને મકાઈ ઉપરાંત કેળાં, કેરી, નારંગી, ચુન્નો, ચીકુ અને નારિયેળ જેવાં ફળ અને પાકોની ખેતી પણ કરીએ છીએ.’
