અનંત-રાધિકાનાં સૌથી મોંઘાં લગ્નની વિશ્વમાં ચર્ચા છે ત્યારે...
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
મુકેશ અંબાણીના પુત્ર અનંત અને રાધિકાનાં સૌથી મોંઘાં લગ્નની આજે વિશ્વમાં ચર્ચા છે ત્યારે મહારાષ્ટ્રમાં નંદુરબાર જિલ્લાના એક ગામમાં વરસાદને લીધે નદીમાં પૂર આવતાં વરરાજાને ખભે બેસાડીને મંડપમાં પહોંચાડવામાં આવ્યા હોવાનો વિડિયો ગઈ કાલે વાઇરલ થયો હતો. આ વિડિયો જોયા બાદ ચર્ચા શરૂ થઈ છે કે ભારત મહાસત્તા બનશે એવું સપનું જોવાઈ રહ્યું છે, પણ ગ્રામીણ ભાગમાં રસ્તા અને મૂળભૂત સુવિધાનો અભાવ છે એના પર પણ ધ્યાન આપવાની જરૂર છે.
નંદુરબાર જિલ્લાના અક્કલકુવા તાલુકામાં વહેગી ગામ છે. અહીંની દેવ નદીની સામેપાર બારીપાડા ગામ આવેલું છે. આથી નદી પાર કરીને એકથી બીજા ગામ જઈ શકાય છે. નદીની ઉપર પુલ નથી એટલે લોકોએ ચોમાસામાં નદીમાં પાણી વહેતું હોય તો પણ જીવને જોખમે એ પાર કરવી પડે છે. આ ગામમાં બે કન્યાનાં લગ્ન રવિવારે આયોજિત કરવામાં આવ્યાં હતાં. વરરાજા સાથેની બારાત વહેગી ગામ આવી ગઈ હતી, પરંતુ વરસાદ પડતાં દેવ નદીમાં પાણી વહેતું હતું એટલે બારાતીઓએ વરરાજાનાં કપડાં ખરાબ ન થાય એ માટે તેમને ખભે બેસાડી લીધા હતા અને તેમણે નદી પાર કરી હતી એ વાઇરલ થયેલા વિડિયોમાં જણાઈ આવે છે.
ADVERTISEMENT
આ વિસ્તારમાં દર ચોમાસામાં આવી જ સ્થિતિ ઊભી થાય છે એટલે સ્થાનિક પ્રશાસનની સાથે રાજ્ય સરકાર આ બાબતે ક્યારે ધ્યાન આપશે એવો સવાલ સોશ્યલ મીડિયામાં લોકો કરી રહ્યા છે.