એટલું જ નહીં, કૅબ બુક કર્યા બાદ કૅન્સલ કરવામાં આવશે તો કંપનીએ ગ્રાહકને પાંચગણા રૂપિયા પણ ચૂકવવા પડશેઃ આવી જોગવાઈ મહારાષ્ટ્ર રેગ્યુલેશન ઑફ ઍગ્રિગેટર રૂલ્સ 2021ના મુસદ્દામાં કરવામાં આવી છે
ઓલા, ઉબર, રૅપિડો સહિતની ઍપઆધારિત કંપની
મહારાષ્ટ્રનાં મુંબઈ, પુણે અને નાગપુર જેવાં શહેરોમાં ઍપઆધારિત કૅબના વપરાશમાં મોટા પ્રમાણમાં વધારો થવાની સાથે કૅબ-કંપનીઓ સામેની ફરિયાદો પણ વધી હોવાનું ધ્યાનમાં આવતાં મહારાષ્ટ્ર રેગ્યુલેશન ઑફ ઍગ્રિગેટર રૂલ્સ 2021ના મુસદ્દામાં ઍપ આધારિત કૅબ બુક કરાવ્યા બાદ કૅબ-ડ્રાઇવર ૧૦ મિનિટમાં લોકેશન પર ન પહોંચે તો તેને ૧૦૦ રૂપિયાનો દંડ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત પીક-અવર્સમાં કૅબ-ડ્રાઇવરો બુકિંગ લીધા બાદ કૅન્સલ કરી નાખતા હોવાની પણ ફરિયાદ છે એટલે બુકિંગ કૅન્સલ કરનારી કંપનીએ કૅબ બુક કરનારાને પાંચગણા રૂપિયા ચૂકવવાની જોગવાઈ પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.
ઓલા, ઉબર, રૅપિડો સહિતની ઍપઆધારિત કંપનીઓને લાઇસન્સ આપવાથી માંડીને તમામ બાબતોને એક નિયમ અંતર્ગત લાવવા માટે ટ્રાન્સપોર્ટ વિભાગે નિયમોનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે જે મંગળવારે મંત્રાલયમાં રજૂ કરવામાં આવ્યો હતો. પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકે કહ્યું હતું કે ‘ટ્રાન્સપોર્ટ વિભાગના નિયમમાં પ્રવાસીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાને એકનાથ શિંદે પણ આ બાબતે સંમત છે એટલે તેમની સાથે ચર્ચા કર્યા બાદ આગામી બે મહિનામાં નવા નિયમની અમલબજવણી કરવામાં આવશે.’