ગૃહ ખાતાની જીદમાં એકનાથ શિંદેના હાથમાંથી અર્બન ડેવલપમેન્ટ ખાતું પણ જાય એવો ઘાટ
એકનાથ શિંદે
રાજ્યમાં પ્રધાનમંડળની રચના ગૃહ ખાતું કોને મળશે એને લઈને અટકી પડી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી (BJP)એ એકનાથ શિંદેની શિવસેનાને ગૃહ ખાતાને બદલે મહેસૂલ, જળસંપદા અને સાર્વજનિક બાંધકામ ખાતામાંથી એક નક્કી કરવાનો વિકલ્પ આપ્યો હોવાનું કહેવાય છે. જોકે શિવસેના હજી પણ ગૃહ ખાતાને લઈને બાંધછોડ કરવા તૈયાર નથી. એનું કહેવું છે કે અમને ગૃહ ખાતું જ જોઈએ છે અને જો એ આપવામાં ન આવે તો એની સમકક્ષ હોય એવું ખાતું અમને મળવું જોઈએ.
આ બધા વચ્ચે શિવસેના માટે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે કે એમના હાથમાંથી અર્બન ડેવલપમેન્ટ ખાતું પણ જઈ શકે છે, કારણ કે BJP આ ખાતું પણ પોતાની પાસે રાખવા માગે છે. આ ખાતું છેલ્લાં પાંચ વર્ષથી એકનાથ શિંદે પાસે હતું. સામાન્ય રીતે જે પણ મુખ્ય પ્રધાન હોય તે વ્યક્તિ અર્બન ડેવલપમેન્ટ ખાતું પોતાની પાસે રાખતી હોય છે. એકમાત્ર ઉદ્ધવ ઠાકરેએ પોતે મુખ્ય પ્રધાન હતા ત્યારે આ મિનિસ્ટ્રી એકનાથ શિંદેને આપી હતી અને એને લઈને જ તેમની વચ્ચે ખટરાગ થયો હોવાનું પણ કહેવાય છે.
ADVERTISEMENT
જ્યારથી દેવેન્દ્ર ફડણવીસને મુખ્ય પ્રધાન બનાવવાનું BJPએ નક્કી કર્યું ત્યારથી શિવસેનાના નેતાઓએ ગૃહ ખાતું પોતાની પાસે હોવું જોઈએ એવી ડિમાન્ડ શરૂ કરી દીધી હતી. આની પાછળનો તેમનો તર્ક એ છે કે જ્યારે દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્ય પ્રધાન હતા ત્યારે ગૃહ ખાતું તેમની પાસે હતું તો હવે એકનાથ શિંદે નાયબ મુખ્ય પ્રધાન છે તો હોમ ડિપાર્ટમેન્ટ તેમની પાસે જ હોવું જોઈએ.
જે હોય એ, પણ અત્યારે તો પ્રધાનમંડળની રચના અટકી પડી છે. આગામી ત્રણ-ચાર દિવસમાં ત્રણે પાર્ટીમાંથી કોને કયું ખાતું મળશે એ ફાઇનલ કરી દેવું જરૂરી છે, કારણ કે દેવેન્દ્ર ફડણવીસની ઇચ્છા આગામી બુધ અથવા ગુરુવારે પ્રધાનમંડળની શપથવિધિ કરવાની છે.

