અંતર્ગત તેમણે બન્ને ગૃહમાં મહારાષ્ટ્ર ખાનગી રોજગાર એજન્સી (નિયમન) બિલ, ૨૦૨૫ રજૂ કર્યું હતું જે બન્ને ગૃહમાં પાસ થઈ ગયું છે
મંગલ પ્રભાત લોઢા
અનેક યુવાનો ભણી લીધા બાદ સારી નોકરી મેળવવા પ્રાઇવેટ પ્લેસમેન્ટ એજન્સીઓમાં નામ નોંધાવતા હોય છે. જોકે એ માટે પૈસા ભર્યા પછી પણ તેમને એજન્સીઓ દ્વારા નોકરી મેળવી અપાતી નથી અને તેમની સાથે ઘણી વાર છેતરપિંડી પણ થતી હોય છે. એથી એ રોકવા હવે મહારાષ્ટ્ર સરકારે મહત્ત્વનું પગલું લીધું છે. મહારાષ્ટ્ર રાજ્યના કૌશલ્ય, રોજગાર, ઉદ્યોગ સાહસિકતા અને નવીનતા ખાતાના પ્રધાન મંગલ પ્રભાત લોઢાએ યુવાનોના કૌશલ્ય વિકાસ અને રોજગાર માટે અત્યાર સુધી અનેક નિર્ણય લીધા છે એ અંતર્ગત તેમણે બન્ને ગૃહમાં મહારાષ્ટ્ર ખાનગી રોજગાર એજન્સી (નિયમન) બિલ, ૨૦૨૫ રજૂ કર્યું હતું જે બન્ને ગૃહમાં પાસ થઈ ગયું છે. આ બિલની જોગવાઈ હેઠળ દરેક પ્રાઇવેટ પ્લેસમેન્ટ એજન્સીએ હવે ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
મંગલ પ્રભાત લોઢાએ કહ્યું હતું કે ‘આ બિલના કારણે રાજ્યમાં નોકરી શોધનારાઓ માટે એક સુરક્ષિત અને વધુ પારદર્શક વ્યવસ્થા બની શકશે. આ બિલને કારણે નકલી ભરતી પ્રક્રિયાઓ અને બેરોજગારો સાથે થતી છેતરપિંડી થતી રોકવા માટેનાં પગલાં લઈ શકાશે, યુવાનોના રોજગાર હિતનું રક્ષણ થઈ શકશે. આ કાયદો ખાનગી પ્લેસમેન્ટ એજન્સીઓ પર નિયંત્રણ મૂકશે. હવે દરેક પ્રાઇવેટ પ્લેસમેન્ટ એજન્સીએ સરકારના રજિસ્ટર્ડ માળખા હેઠળ કામ કરવું પડશે જે એમાં પારદર્શકતા લાવશે અને યુવાનો એના પર વિશ્વાસ મૂકી શકશે.’
ADVERTISEMENT
કાયદામાં શું છે જોગવાઈઓ?
- પહેલાં ગુમાસ્તા લાઇસન્સના આધારે એજન્સી શરૂ કરી શકાતી હતી, પરંતુ હવે એ શક્ય નથી. બધી પ્લેસમેન્ટ એજન્સીઓએ સરકારના નોંધણી અધિકારી સાથે નોંધણી કરાવવી જરૂરી છે અને માન્ય નોંધણી પ્રમાણપત્ર વિના તેઓ કામ કરી શકશે નહીં.
- જો ખોટી માહિતી, ખોટા દસ્તાવેજો, છેતરપિંડી, માહિતીનો દુરુપયોગ, રોજગાર આપવામાં નિષ્ફળતા અથવા ઇનકાર કે પછી સરકારના નામે લોકોને ગેરમાર્ગે દોરવા જેવી કોઈ પણ બાબત ધ્યાનમાં આવશે તો એ એજન્સીનું નોંધણી પ્રમાણપત્ર રદ અથવા સસ્પેન્ડ કરવામાં આવશે.
- આ બિલમાં નોંધણી વગર કાર્યરત સંસ્થાઓ માટે દંડનીય કાર્યવાહી અથવા કેદની પણ જોગવાઈ છે.
- સરકારે માત્ર નિયમન માટે જ નહીં, પરંતુ રોજગારની તકો વધારવા માટે પણ પગલાં લીધાં છે.


