અમિત શાહે સાંગલીના શિરાળાની જાહેર સભામાં કહ્યું...
ગઈ કાલે કરાડની ચૂંટણીસભામાં તલવાર તાણતા અમિત શાહ.
કેન્દ્રીય ગૃહપ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા અમિત શાહે ગઈ કાલે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં સાંગલીમાં આવેલા શિરાળામાં પહેલી જાહેર સભા સંબોધી હતી. આ સભામાં તેમણે શરદ પવાર પર જોરદાર હુમલો કરવાની સાથે મહા વિકાસ આઘાડીએ શિરાળામાં બંધ કરેલી નાગપૂજા મહાયુતિની સરકાર ફરી શરૂ કરશે એવું આશ્વાસન આપ્યું હતું. અમિત શાહે કહ્યું હતું કે ‘ઔરંગાબાદનું નામ સંભાજીનગર થયું, પણ મહા વિકાસ આઘાડીવાળા અને મહાન બાળાસાહેબ ઠાકરેના પુત્ર ઉદ્ધવ ઠાકરે સંભાજીનગર નામનો વિરોધ કરી રહ્યા છે. શરદ પવાર ગમે એટલી તાકાત લગાવે, હવે સંભાજીનગર જ નામ રહેશે. કર્ણાટકમાં કૉન્ગ્રેસ સરકારે ગામના ખેડૂતોની જમીન વક્ફ બોર્ડને આપી છે. આથી મહા વિકાસ આઘાડી ફરી સત્તામાં આવશે તો મહારાષ્ટ્રના ખેડૂતોની જમીન પણ આંચકી લેવામાં આવશે. જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ બાબતે અત્યારે વિધાનસભામાં ધમાલ ચાલી રહી છે. મહા વિકાસ આઘાડીના નેતાઓ ૩૭૦ કલમ પાછી લાગુ કરવાની માગણી કરી રહ્યા છે. શરદ પવારની ચાર પેઢી પણ હવે આ કલમ પાછી નહીં લાવી શકે. હિન્દુઓના આરાધ્યદેવ શ્રીરામ અયોધ્યામાં તેમના ઘરમાં પ્રસ્થાપિત થયા; પણ શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે અને કૉન્ગ્રેસના નેતાઓએ રામલલાનાં દર્શન નથી કર્યાં. પોતાની વોટબૅન્ક માટે આ નેતાઓએ અયોધ્યા જવાનું ટાળ્યું છે.’