મહારાષ્ટ્રમાં ત્રણ-ત્રણ પક્ષોનાં બે સંગઠન છે ત્યારે ત્રીજા ફ્રન્ટની પણ એન્ટ્રી થઈ
રાજુ શેટ્ટી, સંભાજીરાજે છત્રપતિ, બચ્ચુ કડુ
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે નવાં-નવાં સમીકરણો સામે આવી રહ્યાં છે. સત્તાધારી મહાયુતિ અને વિરોધ પક્ષોની આઘાડીમાં ત્રણ-ત્રણ મુખ્ય પક્ષોનો સમાવેશ છે ત્યારે ભૂતપૂર્વ સંસદસભ્ય સંભાજીરાજે છત્રપતિ, સ્વાભિમાની શેતકરી સંઘટનાના અધ્યક્ષ, ભૂતપૂર્વ સંસદસભ્ય રાજુ શેટ્ટી અને પ્રહાર જનશક્તિ પક્ષના અધ્યક્ષ અને વિધાનસભ્ય બચ્ચુ કડુએ સત્તાધારી કે વિરોધ પક્ષોના સંગઠનમાં સામેલ થવાને બદલે પોતાના મહાશક્તિ પરિવર્તન નામના સંગઠનની ગઈ કાલે જાહેરાત કરી હતી. મહાશક્તિ પરિવર્તન સંગઠનમાં શિવસંગ્રામ પાર્ટીના દિવંગત નેતા વિનાયક મેટેનાં પત્ની જ્યોતિ મેટે, મરાઠા સમાજને આરક્ષણ આપવા માટેનું આંદોલન કરનારા મનોજ જરાંગે પાટીલ વગેરેને સામેલ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવાનું રાજુ શેટ્ટીએ કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે બચ્ચુ કડુ અત્યાર સુધી સત્તાધારી મહાયુતિમાં હતા. હવે તેઓ મહાશક્તિ પરિવર્તન સંગઠનમાં જોડાયા છે એટલે મહાયુતિને ફટકો પડ્યો છે.