નવા બિલ્ડિંગમાં ફ્લૅટ ન મળતાં ટેનન્ટે પોલીસમાં ફરિયાદ કરી, જેને પગલે મકાનમાલિકની થઈ ધરપકડ
પ્રતીકાત્મક તસવીર
કાલબાદેવીમાં પાઘડીની રૂમમાં રહેતાં સિનિયર સિટિઝન મહિલા અને તેમના દીકરાને મકાન રીડેવલપ કરીએ છીએ એટલે ત્યાર બાદ તમને ફરી એમાં જગ્યા આપીશું એમ કહીને મકાનમાલિકે એ જગ્યા ખાલી તો કરાવી, પણ એ પછી નવું મકાન બનાવીને જગ્યા આપવાને બદલે એ રૂમ બીજાને વેચી નાખી હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. આ બાબતે આ ભાડૂતના પૌત્રે પોલીસમાં ફરિયાદ કરતાં ૭૧ વર્ષના મકાનમાલિકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ અત્યારે આ કેસમાં મકાનમાલિકનાં પત્ની, ડેવલપર અને એ જગ્યા ખરીદનારાની શોધ ચલાવી રહી છે.
કાલબાદેવીના સૌજાત ભવનમાં ત્રીજા માળે રહેતાં ૮૫ વર્ષનાં કમલાદેવી ગિરધારીલાલ ગુપ્તાની ભાડાની રૂમ હતી, જ્યારે પહેલા માળે તેમના પતિ ગિરધારીલાલ ગુપ્તાની રૂમ હતી. ગિરધારીલાલનું મૃત્યુ થયા બાદ પહેલા માળની રૂમ તેમના દીકરા નવલકિશોર ગુપ્તાના નામ પર થઈ હતી. ૩ માળનું મકાન જર્જરિત થઈ ગયું હોવાથી એ તોડીને પાંચ માળનું નવું મકાન બનાવવાનું મકાનમાલિક શિખરચંદ હનુમંતરાજ જૈને ભાડૂતોને કહ્યું હતું.
ADVERTISEMENT
નવું મકાન બની ગયા પછી ગુપ્તા પરિવારને રૂમો તો ન મળી, પણ તેમની રૂમો અન્ય કોઈને વેચી દીધી હોવાની જાણ થતાં કમલાદેવીના પૌત્ર વૈભવે તપાસ કરીને મકાનમાલિક પાસે એ રૂમનો તાબો માગ્યો ત્યારે પણ મકાનમાલિકે તેમને જગ્યા આપવાનું કહ્યું હોવાનું ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે. જોકે ત્યાર બાદ પણ વારંવાર રજૂઆત કરવા છતાં જગ્યા ન મળતાં એલ. ટી. રોડ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે શિખરચંદ જૈનની બુધવારે ધરપકડ કરી હતી. ફરિયાદીનું કહેવું છે કે તેની બે રૂમની અત્યારની કિંમત ૨.૮૦ કરોડ રૂપિયા થાય છે.
પોલીસ શું કહે છે?
એલ. ટી. રોડ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર નીતિન તડાખેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને આ સંદર્ભે ફરિયાદ મળતાં મકાનમાલિક શિખરચંદ જૈનની ધરપકડ કરી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ એ ૩ માળનું મકાન હતું. મકાનમાલિકે ભાડૂતોને કહ્યું હતું કે તે પાંચ માળનું નવું મકાન બનાવશે અને જૂના ભાડૂતોને નીચેના ત્રણ માળમાં સમાવીને બીજા બે માળની રૂમો તેના વેચવા માટે રાખશે, પણ તેણે ફરિયાદીને જગ્યા આપવાને બદલે તેની રૂમ બીજાને વેચી દીધી હતી. આ સંદર્ભે ફરિયાદીએ કોર્ટમાં પણ રજૂઆત કરી હતી. અમે ફરિયાદના આધારે હાલ મકાનમાલિકની ધરપકડ કરીને અન્ય આરોપીઓની શોધ ચલાવી રહ્યા છીએ. આ કેસમાં મકાનમાલિકે અન્ય કેટલાક ભાડૂતોને પણ છેતર્યા હોવાનું અમને જાણવા મળ્યું છે. અમે આ બાબતે પણ તપાસ કરી રહ્યા છીએ.’

