કિરીટ સોમૈયાએ ૧૦ ઑક્ટોબર, ૨૦૨૬ના રોજ મુંબઈ પોલીસના સંયુક્ત કમિશનર મનોજ કુમાર શર્માને પત્ર મોકલ્યો હતો. પત્રમાં તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે શું અભિનેતા ઈમરાન ખાન જે વિદેશી નાગરિક છે તેણે વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા માટે જરૂરી કાયદેસરની પરવાનગી મેળવી હતી?
કિરીટ સોમૈયા અને ઇમરાન ખાન
ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા કિરીટ સોમૈયાએ મુંબઈ પોલીસને પત્ર લખીને અભિનેતા ઈમરાન ખાનની ગેરકાયદેસર વિરોધ પ્રદર્શનમાં સહભાગિતા અંગે તપાસની માગ કરી છે. શનિવારે, મુંબઈ પોલીસે દક્ષિણ મુંબઈના ગામદેવી વિસ્તારમાં આવેલા નાના ચોક જંકશન નજીક અભિનેતા ઈમરાન ખાન સહિત અનેક વિરોધ પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી. આ વિરોધ પ્રદર્શન નવી દિલ્હીમાં `કૉકરોચ જનતા પાર્ટી` (CJP) દ્વારા કરવામાં આવેલા પ્રદર્શનના સમર્થનમાં યોજવામાં આવ્યું હતું.
પોલીસ કમિશનરને કિરીટ સોમૈયાનો પત્ર
ADVERTISEMENT
કિરીટ સોમૈયાએ ૧૦ ઑક્ટોબર, ૨૦૨૬ના રોજ મુંબઈ પોલીસના સંયુક્ત કમિશનર મનોજ કુમાર શર્માને પત્ર મોકલ્યો હતો. પત્રમાં તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે શું અભિનેતા ઈમરાન ખાન જે વિદેશી નાગરિક છે તેણે વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા માટે જરૂરી કાયદેસરની પરવાનગી મેળવી હતી કે નહીં. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ `X` પર પોસ્ટ કરીને સોમૈયાએ પૂછ્યું કે શું કોઈ વિદેશી નાગરિકને અધિકૃત મંજૂરી વિના આવા રાજકીય વિરોધ પ્રદર્શનો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ થવાની પરવાનગી આપી શકાય? તેમણે માગ કરી છે કે અભિનેતાને તાત્કાલિક દેશમાંથી દેશનિકાલ કરવામાં આવે.
અભિનેતા ઈમરાન ખાનનું નિવેદન
અટકાયત દરમિયાન અભિનેતા ઈમરાન ખાને પોતાની હાજરી અંગે સ્પષ્ટતા કરી હતી. તેણે કહ્યું, "મારી કોઈ માગણીઓ નથી. હું અહીં એક નાગરિક તરીકે, આ શહેરમાં રહેતી વ્યક્તિ તરીકે આવ્યો છું. હું એ જોવા આવ્યો હતો કે અવરજવરની સ્વતંત્રતા પર શા માટે પ્રતિબંધો મૂકવામાં આવી રહ્યા છે. લોકોના અવાજને શા માટે દબાવવામાં આવી રહ્યા છે? એટલા માટે જ હું અહીં છું."
ઑગસ્ટ ક્રાંતિ મેદાનમાં સુરક્ષા વધારી
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઑગસ્ટ ક્રાંતિ મેદાન અને તેની આસપાસના વિસ્તારોમાં સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી હતી. મેદાન તરફ જતા તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા અને બૅરિકેડ્સ લગાવવામાં આવ્યા હતા. ગામદેવી વિસ્તારમાં સેંકડો પોલીસ કર્મચારીઓ, મહિલા અધિકારીઓ અને મહારાષ્ટ્ર સ્ટેટ સિક્યુરિટી કૉર્પોરેશન (MSSC)ના ગાર્ડ્સ તહેનાત કરવામાં આવ્યા હતા. પોલીસે ત્યાંથી પસાર થતા સ્થાનિકોને પણ રોકીને પૂછપરછ કરી હતી, જે પગલાની કેટલાક રહેવાસીઓ દ્વારા ટીકા કરવામાં આવી હતી. અટકાયત કરાયેલા લોકોને લઈ જવા માટે વધારાની પોલીસ વાન બોલાવવામાં આવી હતી. કિરીટ સોમૈયાએ તેમની પોસ્ટમાં દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપના સત્તાવાર એકાઉન્ટને પણ ટૅગ કર્યા હતા આ વિનંતી કરી હતી.
