ટ્રેનમાંથી ચોરાયેલું ૬ લાખનું સોનું પાછું મેળવી આપ્યું
ગઈ કાલે કર્જત GRP ઑફિસમાં દાગીના પાછા લેવા માટે આવેલો જિનેશ તુરખિયા.
અમદાવાદના સૅટેલાઇટ વિસ્તારમાં રહેતાં ૭૦ વર્ષનાં ફાલ્ગુની તુરખિયાના ડિસેમ્બર મહિનામાં ટ્રેનમાંથી ચોરી થયેલા છ લાખ રૂપિયાના દાગીના શોધીને ગઈ કાલે મહિલા દિવસ નિમિત્તે કર્જત ગવર્નમેન્ટ રેલવે પોલીસે (GRP)એ તેમને પાછા આપ્યા હતા. ૨૧ ડિસેમ્બરે અમદાવાદથી પુણે જતી વેરાવળ-પુણે એક્સપ્રેસ ટ્રેનના ઍર-કન્ડિશન્ડ (AC) કોચમાં ફાલ્ગુનીબહેન સૂતાં હતાં ત્યારે ચોરે મોકાનો ફાયદો ઉઠાવી ચોરીને અંજામ આપ્યો હતો. અંતે ચોરીની ફરિયાદ નોંધાતાં પોલીસે ઝીણવટભરી તપાસ કરીને આરોપીની ધરપકડ કરી હતી અને ચોરાયેલી તમામ માલમતા રિકવર કરી હતી.
ચોરાયેલા દાગીના પાછા મળતાં મમ્મી ખૂબ જ ખુશ થઈ હતી એમ જણાવતાં ફાલ્ગુનીબહેનના પુત્ર જિનેશ તુરખિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૧ ડિસેમ્બરે મમ્મી વેરાવળ-પુણે એક્સપ્રેસ ટ્રેનના A-1 કોચમાં અમદાવાદથી બેસી હતી. એ સમયે રાત હોવાથી મમ્મી પોતાની સીટ પર સૂઈ ગઈ હતી. સવારે પાંચ વાગ્યે પુણે આવતાં મમ્મીની આંખ ખૂલી ત્યારે તેમની નજીક રાખેલી હૅન્ડબૅગ દેખાણી નહોતી એટલે તેમણે આસપાસમાં શોધ કરી હતી. જોકે એ ન મળતાં ચોરી થઈ હોવાની ખાતરી થતાં ઘટનાની ફરિયાદ મમ્મીએ GRPમાં કરી હતી. એ હૅન્ડબૅગમાં સોનાની ચેઈન, બુટિયાં, બે મોબાઇલ અને ૧૦,૦૦૦ રૂપિયા રોકડા હતા. પોલીસે ત્રણ દિવસ પહેલાં અમને જાણ કરી હતી કે તમારા ચોરાયેલા દાગીના મળી ગયા છે. પહેલાં તો અમને વિશ્વાસ જ નહોતો થતો, કારણ કે એવા અનેક અનુભવ છે કે ચોરાયેલી વસ્તુઓ પાછી મળતી નથી. મારાં મમ્મીની ઉંમર મોટી હોવાથી હું કર્જત GRP ઑફિસ આવ્યો ત્યારે પોલીસો દ્વારા મને કહેવામાં આવ્યું હતું કે તારાં મમ્મીની ચોરાયેલી તમામ માલમતા પાછી મળી ત્યારે હું સાચે ખૂબ જ સરપ્રાઇઝ થયો હતો. પોલીસે મને ૮૫ ગ્રામ સોનું પાછું આપ્યું છે. પોલીસના આ કામથી ખૂબ જ ખુશ છું.’
ADVERTISEMENT
પ્રાથમિક માહિતીના આધારે અમે તપાસ કરીને આરોપીની ધરપકડ કરી હતી એમ જણાવતાં કર્જત GRPના સિનિયર ઇન્સ્પેક્ટર તાનાજી ખાડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ચોરીના કેસની તપાસ કરી અમે કોચમાં લાગેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજો તપાસ્યાં હતાં જેના આધારે રેકૉર્ડ પરના આરોપી 37 વર્ષના શત્રુઘ્ન શર્મા ઉર્ફ છોટુની ધરપકડ કરવામાં આવી હતી. એની પાસેથી ચોરાયેલી તમામ માલમતા રિકવરી કરી છે.’

