હાઈ કોર્ટે વાલીઓએ કરેલી રિટ પિટિશન દાખલ કરી. કોરોના વખતે સ્કૂલ બંધ હોવા છતાં જે ઍક્ટિવિટી કરાવાતી નહોતી એની ફી પણ ટોટલ ફીમાં ઇન્ક્લુડ કરીને લેવામાં આવતાં પેરન્ટ્સ કરી રહ્યા છે વિરોધ
કાંદિવલીના મહાવીરનગરમાં આવેલી કપોળ વિદ્યાનિધિ ઇન્ટરનૅશનલ સ્કૂલ
કોરોના સમયે લોકોના કામધંધા ઠપ થઈ ગયા હતા અને અનેક લોકોની નોકરી છૂટી ગઈ હતી ત્યારે કાંદિવલીની કપોળનિધિ ઇન્ટરનૅશનલ સ્કૂલના વાલીઓએ સ્કૂલ બંધ હોવા છતાં સ્કૂલ દ્વારા જે ઍક્ટિવિટી કરાવાતી નહોતી એની પણ ફી ટોટલ ફીમાં ઇન્ક્લુડ કરીને લેવામાં આવતાં એનો વિરોધ કર્યો હતો અને આ મુદ્દો એ વખતે બહુ જ ઊછળ્યો હતો. સ્કૂલ દ્વારા કેટલાક વિદ્યાર્થીઓની સાથે ઓરમાયું વર્તન પણ દાખવવામાં આવ્યું હતું અને એ બદલ પોલીસ કેસ પણ થયો હતો. વાલીઓ દ્વારા ત્યાર બાદ આ સંદર્ભે બૉમ્બે હાઈ કોર્ટમાં રિટ પિટિશન દાખલ કરાઈ હતી. કોર્ટે હવે એ દાખલ કરી છે, જેના પર સુનાવણી થશે અને લાગતા-વળગતા દ્વારા તેમની બાજુ માંડવામાં આવશે.
રિટ પિટિશન દાખલ કરનાર વાલી વિપુલ શાહે આ સંદર્ભે માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી રિટ પિટિશનમાં અમે રાજ્ય સરકારે નોટિફિકેશન બહાર પાડીને સ્કૂલો દ્વારા એ વધારાની ફી (જેમ કે કોરોના વખતે સ્કૂલ બંધ હોવાથી લૅબ, કમ્પ્યુટર ક્લાસ વગેરેની ફી લેવામાં આવતી હતી) ન લેવા જણાવ્યું હતું એનો સ્કૂલ દ્વારા અમલ કરાયો નહોતો અને એ પછીના ઍકૅડૅમિક યર માટે ૧૫ ટકા રીએમ્બર્સમેન્ટ આપવાનું હતું એ બે વસ્તુ માટે ડિમાન્ડ કરી છે. કોર્ટે અમારી એ રિટ પિટિશન પર તપાસ કરીને એને કેસ થવા યોગ્ય ગણી હતી અને આખરે એ પિટિશન હવે દાખલ કરી છે, જેની હવે આગળ સુનાવણી થશે. મૂળમાં આ સંદર્ભે અમે પહેલાં એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં અને પોલીસમાં ફરિયાદ કરી હતી, પણ તેમના તરફથી સરકારી રાહે કામ ચાલતું હોવાથી બહુ લાંબો સમય દરેક વખતે લેવામાં આવતાં આખરે અમે આ માટે કોર્ટનાં દ્વાર ખખડાવ્યાં હતાં.’
ADVERTISEMENT
વાલીઓ તરફથી આ કેસ લડી રહેલા વકીલ અરવિંદ તિવારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જો રાજ્ય સરકારે આ ઘટનાની ગંભીર નોંધ લઈને ઍક્શન લીધી હોત તો અમારે કોર્ટના શરણે ન જવું પડ્યું હોત. કોર્ટને પ્રાથમિક દ્રષ્ટિએ અમારી રજૂઆતમાં તથ્ય લાગ્યું હોવાથી પિટિશન દાખલ કરી છે.’