બીડના સદ્ગત સરપંચ સંતોષ દેશમુખ માટે મુંબઈમાં કાઢવામાં આવ્યો આક્રોશ મોરચો, તેમનાં બહેને કહ્યું...
મુંબઈમાં કાઢવામાં આવેલા આક્રોશ મોરચામાં સંતોષ દેશમુખના પરિવારજનો.
બીડના મસ્સાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખનું અપહરણ કરીને હત્યા કરવાના મામલામાં મુખ્ય આરોપી દોઢ મહિના બાદ પણ હાથ નથી લાગ્યો એટલે સંતોષ દેશમુખને ન્યાય અપાવવાની માગણી સાથે ગઈ કાલે મુંબઈમાં મરીન લાઇન્સમાં આવેલા મેટ્રો સિનેમાથી આઝાદ મેદાન સુધી આક્રોશ મોરચો કાઢવામાં આવ્યો હતો. આ મોરચામાં સંતોષ દેશમુખનાં બહેન, ભાઈ અને પરિવારનાં નાનાં બાળકો પણ સામેલ થયાં હતાં. સંતોષ દેશમુખની બહેન પ્રિયંકા ચૌધરીએ આ સમયે કહ્યું હતું કે ‘સંતોષનાં પત્ની અને મારાં ભાભી હૉસ્પિટલમાં ઍડ્મિટ છે, નાનો ભાઈ સલાઇન લગાવીને અહીં આવ્યો છે. મારી પોતાની પણ તબિયત સારી નથી. ભાઈ સંતોષની હત્યામાં યોગ્ય રીતે તપાસ કરવામાં આવી હોત તો આરોપી પકડાઈ ગયો હોત. દોઢ મહિના કરતાં વધુ સમય થઈ ગયો હોવા છતાં મુખ્ય આરોપી હાથ નથી આવ્યો. આથી અનેક સવાલ ઊભા થયા છે. સરકારને મારી હાથ જોડીને વિનંતી છે કે આરોપીને તાત્કાલિક પકડવામાં આવે અને ફાંસીની સજા કરે. મોટો ભાઈ સંતોષ રાજા માણસ હતો. તે લોકોને આનંદમાં રહેવાનું શીખવતો હતો. તેને મારી નાખવાથી બીજાઓને આનંદમાં રહેવાનું કહેનારાનાં બાળકો રઝળી પડ્યાં છે. સરકારે આ બાળકો સામે જોઈને આરોપીને પકડીને ન્યાય આપવો જોઈએ.’
ઉલ્લેખનીય છે કે આક્રોશ મોરચાને શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેએ સમર્થન આપ્યું હતું એટલે મોટી સંખ્યામાં બન્ને પક્ષના કાર્યકરો મોરચામાં સામેલ થયા હતા.