મહારાષ્ટ્રના સંગઠનમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો
BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા અને ગૃહપ્રધાન અમિત શાહ સાથે મહારાષ્ટ્ર BJPના નેતાઓની ગઈ કાલે દિલ્હીમાં બેઠક થઈ હતી.
લોકસભાની ચૂંટણીમાં નિષ્ફળ જવા બદલ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસે પરાજયની જવાબદારી સ્વીકારીને રાજીનામું આપી દીધું હતું. BJPની ગઈ કાલે દિલ્હીમાં કોર કમિટીની બેઠક મળી હતી એમાં દેવેન્દ્ર ફડણવીસના રાજીનામાની સાથે મહારાષ્ટ્રના સંગઠનમાં ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. જોકે ગઈ કાલે બેઠક મળી હતી એમાં દેવેન્દ્ર ફડણવીસને કાયમ રાખવાની સાથે મહારાષ્ટ્રના સંગઠનમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠક બાદ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘કેન્દ્રીય નેતૃત્વ સાથેની બેઠકમાં લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રના પરિણામ બાબતે સવિસ્તાર ચર્ચા કરવામાં આવી હતી. કોઈ પણ પરિસ્થિતિમાં મહાયુતિમાં સામેલ પક્ષો સાથે વિધાનસભાની ચૂંટણી લડવા બાબતે ચર્ચા થઈ હતી. આ માટે એક રોડમૅપ અમે તૈયાર કર્યો છે જેની ટૂંક સમયમાં જ સાથી પક્ષોને જાણ કરવામાં આવશે. આ બેઠકમાં મહારાષ્ટ્રમાં BJPના નેતૃત્વમાં કોઈ ફેરફાર ન કરવાનો તથા પ્રદેશાધ્યક્ષ કે મુંબઈ અધ્યક્ષ પણ કાયમ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.’