જે ટેમ્પોમાં બ્લાસ્ટ થયા હતા એ ત્યાં ગેરકાયદે ડબલ-પાર્ક કરવામાં આવ્યો હતો
સોમવારે રાતે ધારાવી નેચર પાર્ક નજીક રસ્તા પર પાર્ક કરેલા સિલિન્ડર ભરેલા ટેમ્પોમાં એક પછી એક બ્લાસ્ટ થયા બાદ ફાયર-બ્રિગેડના જવાનોએ આગ ઓલવી હતી. (તસવીર _ સૈયદ સમીર અબેદી)
ધારાવી નેચર પાર્ક પાસે સોમવારે રાતે ગૅસનાં સિલિન્ડર સાથે પાર્ક કરાયેલા ટેમ્પોમાં આગ લાગી જતાં એક પછી એક વીસથી વધુ સિલિન્ડરના બ્લાસ્ટ થયા હતા. એ કેસની તપાસમાં હવે એવું બહાર આવ્યું છે કે એ જગ્યાએ ડ્રાઇવરોને ગેરકાયદે વાહનો પાર્ક કરવા દેવાનું પાર્કિંગનું રૅકેટ ચલાવવામાં આવતું હતું.
પોલીસને ગૅસ-સિલિન્ડર બ્લાસ્ટના કેસની તપાસ દરમ્યાન એવું જાણવા મળ્યું હતું કે ‘જે ટેમ્પોમાં બ્લાસ્ટ થયા હતા એ ત્યાં ગેરકાયદે ડબલ-પાર્ક કરવામાં આવ્યો હતો. એ જગ્યાએ તબ્રેઝ તારિક શેખ અને તારિક જબ્બાર શેખ વાહનો પાર્ક કરવા દેતા હતા અને ડ્રાઇવરો પાસેથી એનો ચાર્જ લેતા હતા. જોકે આ જગ્યાએ સત્તાવાર રીતે પાર્કિંગની કોઈ વ્યવસ્થા નથી. આ આખું રૅકેટ ગેરકાયદે ચાલે છે.’
ADVERTISEMENT
પોલીસે તપાસ કરીને એ ગૅસ-સિલિન્ડર ભરેલો ટેમ્પો પાર્ક કરનાર ગોપાલ પૂજારી, ગૅસ-એજન્સીના માલિક નિનાદ સુરેશ કેળકર, ગૅસ-એજન્સીના મૅનેજર નાગેશ સુભાષ નવલે, અન્ય એક ટેમ્પોના ડ્રાઇવર સોનુ ગૌતમ અને ટ્રક-ડ્રાઇવર અનિલ કુમાર ગુપ્તા સામે ગેરાકાયદે વાહન પાર્ક કરીને લોકોની સુરક્ષા સામે અંતરાય ઊભા કરવાનો કેસ નોંધ્યો હતો. જોકે કેસમાં કોઈની ધરપકડ કરવામાં નથી આવી.

