MPCBએ BMCને પંદર દિવસમાં કાયમ સ્વરૂપની યોજના આપવા કહ્યું, જો BMC કોઈ પગલાં નહીં ભરે તો કાર્યવાહી કરવાની આપી ચીમકી
શિવાજી પાર્ક મેદાન
શિવાજી પાર્કના ગ્રાઉન્ડ પર ઊડતી માટીને કારણે ત્યાં રમતાં નાનાં બાળકો સહિત સિનિયર સિટિઝનો અને આજુબાજુની સોસાયટીમાં રહેતા લોકો હેરાન થઈ રહ્યાં છે ત્યારે હવે આ સંદર્ભે મહારાષ્ટ્ર પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (MPCB)એ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ને ૧૫ જ દિવસમાં આ માટે કાયમી સ્વરૂપની ઉપાય યોજના કરવા કહ્યું છે. જો BMC કોઈ પગલાં નહીં ભરે તો એની સામે કાર્યવાહી કરવાની વૉર્નિંગ MPCBએ આપી છે.
MPCBના ઑફિસરોએ સોમવારે શિવાજી પાર્કમાં જઈને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. આ પહેલાં મેદાનમાંથી ઊડતી ધૂળને વૅક્યુમ દ્વારા ટ્રકમાં ભેગી કરવાનો ઉપાય સૂચવવામાં આવ્યો હતો, પણ BMCએ એ માટી કાઢી નહોતી.
ADVERTISEMENT
મૂળમાં મેદાનની ઓરિજિનલ જમીન અને માટી સારાં જ હતાં. એમાં પણ રોજેરોજ એના પર છોકરાઓ રમતા હોવાથી એ માટી દબાઈ ગઈ હતી એટલે બહુ ઊડતી નહોતી. જોકે ત્યાર બાદ મેદાનમાં લાલ માટી બહારથી લાવીને નાખવામાં આવી હતી. આ લાલ માટી મૂળમાં ગાર્ડનમાં નાખવાની માટી હતી જે સૂકી હતી. આ લાલ માટી અલગ પ્રકારનું બંધારણ ધરાવે છે અને બહુ ઊડે છે જેને કારણે લોકોએ હેરાનગતિ ભોગવવી પડે છે. એક વર્ષ પહેલાં લાલ માટી કાઢી નાખવાની સૂચના આપવામાં આવી હતી, પણ એ કાઢવામાં આવી નહોતી.