Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પિતિત હૉલ બંગલાની બે મોંઘી ભેટ : ચીકુ અને રતન

પિતિત હૉલ બંગલાની બે મોંઘી ભેટ : ચીકુ અને રતન

Published : 08 February, 2025 09:56 PM | IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

દિનશા માણેકજી પિતિતે મલબાર હિલ પર બંધાવેલા પિતિત હૉલ નામના બંગલાએ જમશેદ ભાભા થિયેટરને આરસનાં પગથિયાં ભેટ આપ્યાં તેમ બીજી બે મોંઘી ભેટ બી આપી. દિનશાજીને નવું-નવું જોવા, જાણવા અને અજમાવવાનો શોખ. તે એક વેલા પરદેશથી એક નવીન ફળના રોપા મગાવ્યા.

રતન પિતિત, દિનશા પિતિત

રતન પિતિત, દિનશા પિતિત


દિનશા માણેકજી પિતિતે મલબાર હિલ પર બંધાવેલા પિતિત હૉલ નામના બંગલાએ જમશેદ ભાભા થિયેટરને આરસનાં પગથિયાં ભેટ આપ્યાં તેમ બીજી બે મોંઘી ભેટ બી આપી. દિનશાજીને નવું-નવું જોવા, જાણવા અને અજમાવવાનો શોખ. તે એક વેલા પરદેશથી એક નવીન ફળના રોપા મગાવ્યા. બંગલામાં મોટો બગીચો. એનું ધ્યાન રાખવા બે-પાંચ માળી અને એક વડો માળી. રોપા આવ્યા કે તરત વડા માળીને બોલાવીને કહ્યું કે આપણા બગીચામાં આય રોપા વાવી દો. રોજ જાતે બગીચામાં જઈ પેલા રોપાનું બરાબર ધ્યાન રખાય છે કે નહીં એ જુએ. અને થોરા વખત પછી એ રોપા પર લાગિયાં ફળ. નાનાં, લંબગોળ, લાઇટ બ્રાઉન કલરની છાલ, અંદર નરમ માવો, તે બી બ્રાઉન કલરનો અને સાથે બે-ત્રણ લંબગોળ કાળા રંગનાં બી. હવે તો ઓળખી ગિયાને? આ ફળ તે ચીકુ ઉર્ફે સપોટા. 
આપણા દેશમાં પહેલી વાર ઉગાડેલાં દિનશા શેઠે, પોતાના પિતિત હૉલ બંગલાના ગાર્ડનમાં. 
મૂળ દહાણુના વતની અરદેશર ઈરાની હતા દિનશા શેઠના એસ્ટેટ મૅનેજર. વર્ષમાં એક-બે વાર રજા લઈ પોતાને ગામ જાય. ત્યાં તેમની એક વાડી. ૧૯૦૧માં ‘દેશ’ જતાં પહેલાં દિનશા શેઠ પાસે ગયા અને માગની કીધી કે આપના બગીચામાં થતાં ચીકુનાં થોડાં બી મને સાથે લઈ જવાની પરવાનગી આપવા મહેરબાની કરો. શેઠે કહ્યું કે લઈ જાવ, પણ ત્યાં તમે એનું કરશો શું? અરદેશર કહે કે ત્યાં મારી નાનકડી વાડી છે એમાં વાવીશ. અને દહાણુની પોતાની વાડીમાં એવને ચીકુ ઉગાડ્યાં. અને જોતજોતામાં તો દહાણુ, ગોલવાડ, બોરડી વિસ્તારમાં ચીકુની વાડીઓ થઈ ગઈ. અને એ આખા વિસ્તારની ઇકૉનૉમી ચીકુથી ધમધમવા લાગી. 
આ લખનારે નાનપણમાં મુંબઈથી ગુજરાતની ટ્રેન મુસાફરી દરમ્યાન દહાણુ-ગોલવાડ સ્ટેશનનાં પ્લૅટફૉર્મ પર વેચાતાં ચીકુ કંઈ કેટલીયે વાર ખાધાં છે. જેવી ટ્રેન ઊભી રહે કે ત્યાંની બાઈઓ મોટા ટોપલામાં મૂકેલી વાંસની નાની-નાની છાબડીમાં ગોઠવેલાં ચીકુ લઈને વેચવા નીકળી પડે. છાબડીમાં ચીકુડીનાં નાનાં લીલાં પાન પાથર્યાં હોય અને એના પર સરસ રીતે ગોઠવ્યાં હોય ચીકુ. નહીં કાચાં, નહીં બહુ પાકાં. એને છરીથી કાપવાનાં નહીં. બે હાથની હથેળી વચ્ચે જરાક દબાવીએ એટલે ચીકુનાં બે અડધિયાં. એમાં બે-ત્રણ લાંબાં કાળાં બી હોય એ આંગળીના નખ વડે ખોતરીને કાઢી નાખવાનાં. અને એક પછી એક અડધિયું મોઢામાં! અને મોઢામાં ઊછળે મીઠાશનો મહેરામણ. પહેલાં તો દહાણુની ચણા દાળ, ગોલવડનાં ચીકુ, સુરતનાં ઘારી-ભૂસું, વડોદરાનો લીલો ચેવડો. દરેક સ્ટેશનને પોતાની આગવી ઓળખ. પણ હવે તો ‘જાને કહાં ગએ વો દિન!’ ૨૦૧૬માં ભારત સરકારે દહાણુ-ગોલવડ-બોરડી વિસ્તારને GI Tag (Geographical Indication Tag) આપ્યો, પણ સ્ટેશનો પર છાબડીઓમાં ભરીને ચીકુ વેચતી બાઈઓના કંઠની મીઠાશનો ટૅગ તો ખોવાઈ જ ગયો!
પિતિત હૉલની બીજી ભેટનું નામ રતન ઉર્ફે ‘બૉમ્બે ફ્લાવર’ ઉર્ફે મરિયમ. દેખાવડી, હોશિયાર, પારસીઓ કહે તેમ ચાણાક. દિનશાજી (પહેલા બેરોનેટ) ખોદાયજીને પ્યારા થઈ ગિયા તે પછી ફરામજી દિનશા પિતિત (૧૮૭૩-૧૯૩૩) બનિયા બીજા બેરોનેટ. એવનની એકની એક દીકરી તે રતન. ઈ. સ. ૧૯૦૦ના ફેબ્રુઆરીની ૨૦મી તારીખે મુંબઈમાં જન્મી. માત્ર ૨૯ વરસની ઉંમરે, ૧૯૨૯ના ફેબ્રુઆરીની ૨૦મી તારીખે જ – એટલે કે ૨૯મા જન્મદિવસે – જન્નતનશીન થઈ. માલમ છે વાચક. તમે કહેશો કે આ તો મહેતાજી ગોથું ખાઈ ગિયા. બેહસ્તનશીનને બદલે જન્નતનશીન લખી નાખ્યું. પણ આખ્ખી વાત સમજસો પછે એમ નહીં બોલો. 
રતનબાઈ જનમિયાં ત્યાં સુધીમાં પિતિત ખાનદાનની રહેણીકરણી, ખાનપાન, બધ્ધું જ વિલાયતી થઈ ગિયું હુતું. પિતિત હૉલ આખો વિલાયતી જણસો, ચિત્રો, ઝુમ્મરો, ગાલીચાથી ઊભરાતો. રતનબાઈ ધાણી છૂટતી હોય એમ અંગ્રેજી બોલે. બૉમ્બેના અપર મોસ્ટ ક્લાસમાં બધા તેને ‘ફ્લાવર ઑફ બૉમ્બે’ તરીકે ઓળખે. રતન બાવા રોજ સાંજે મલબાર હિલ પરના પિતિત હૉલથી નીકળી ચોપાટીને દરિયાકિનારે આવેલી ઓરિયેન્ટ ક્લબમાં જાય. અનેક પરદેશી-દેશી મિત્રોને મળે. ખાનપાનની મહેફિલો જામે. ત્યાં એક ફૂટડો, ચાલાક, હોશિયાર જુવાન આવે. નામ મોહમ્મદ અલી. બન્ને વચ્ચે ઉંમરમાં ત્રણ જ વર્ષનો ફેર. એટલે જોતજોતામાં દોસ્તી જામી. પિતિત હૉલની મિજબાનીઓમાં મોહમ્મદ અલીને નોતરું હોય જ. પછી તો દોસ્તી વધતી ચાલી. ૧૯૧૬ના ઉનાળામાં પિતિત કુટુંબ દાર્જીલિંગ હવા ખાવા જતું હુતું. પિતિતશેઠે મોહમ્મદ અલીને બી નોતરું આપ્યું.
દાર્જીલિંગમાં એક દિવસ સાંજે પિતિતશેઠ અને મોહમ્મદ અલી બગીચામાં બેઠેલા હુતા. તે વારે મોહમ્મદ અલીએ પૂછ્યું : બે જુદા-જુદા ધરમનાં છોકરા-છોકરી મૅરેજ કરે તો તે વિશે તમે શું માનો છો?’ જવાબ મળિયો : હું તો ખુસ જ થાઉં. આપના દેશમાં જુદા જુદા ધરમના લોકો વચ્ચે જે નફરત છે, વેરઝેર છે, તે મિટાવવા માટે આવાં લગ્નો તો બહુ જરૂરી છે.’ આય સાંભળીને મોહમ્મદ અલી તો સાતમે આસમાને ઊડવા લાગિયા. જરા વાર રહીને બોલિયા : તમારા વિચારો આવા ઉમદા હોસે એની મુને તો ખાતરી જ હુતી પણ તમે જે બોલિયા તે સમજિયા પછી મારામાં ઘન્ની વધુ હિંમત આવી છે. તમારી દીકરી રતન અને હુંએ શાદી કરવાનું નક્કી કર્યું છે. અને તોપના મોઢામાંથી ગોળો છૂટે એમ પિતિતશેઠના મોનામાંથી શબ્દો નીકળ્યા: તારી આ હિંમત? પિતિત ખાનદાન એટલે તો પારસીઓનું નાક. એની દીકરીને પરનવાનો તને વિચાર બી કેમ આવીયો? પેલા હિન્દુઓ સું કેચ? હા, ક્યાં રાજા ભોજ અને ક્યા ગંગુ તેલી? આજથી રતનની કે મારી બી સામ્ભે આવવાની હિંમત ન કરતો. મોહમ્મદ અલી ધીમેક રહીને ત્યાંથી ચાલતો થયો. તરત પિતિતશેઠના મોંમાંથી તોપનો ગોળો છૂટ્યો: અત્તર ઘરી અહીં આવ રતન. ‘જો રતન! બન્ને કાન ખોલીને સાંભલી લે. આજ પછી આય મોહમ્મદ અલીને સપનામાં બી જોવાનો નહીં. અને હા! નોકરોને કહે કે આપરો બધ્ધો સામાન બાંધી લે. આપરે અત્તર ઘરી જ બૉમ્બે જવા નીકળવાનું છે.’
મુંબઈ પહોચ્યા પછી બન્ને પ્રેમી પંખીડાં છાનામાનાં મળિયાં. રતન કહે : ટુ જરા બી ચિંતા ના કરતો. હું તુને ચાહું છું ને હંમેશ ચાહતી રહીશ. અને આપરે બે શાદી કરશું એ વાતમાં મીનમેખ નહીં થાય.’ ‘અરે પણ રતન! હજી તુને ૧૮ વરસ પૂરાં થિયાં નથી. કાનૂનની નજરે તું બાલીગ છે. તારા ડૅડી આપણને બન્નેને જેલભેગાં કરી દેશે.’ ‘પણ હું કા કેહું ચ કે આપરે અત્તર ઘરી લગન કરશું. હું અઢાર વરસની થઈસ તેને બીજે દિવસે કરશું. ત્યાં સુધી તો રાહ જોઈશને?’
એ વાતને બે વરસ વીતી ગિયાં. પોતાની પ્યારી દીકરીનો ૧૮મો બર્થ-ડે પિતિતશેઠે તાજ મહાલ હોટેલમાં ધામધૂમથી મનાવિયો. સૌથી પહેલાં પિતિતશેઠે સૌ મહેમાનોને આવકાર્યા. પછી બોલવા ઊભી થઈ રતન. તેણે બી પહેલાં મહેમાનોનો આભાર માનિયો. અને પછી મોટ્ટો ધડાકો કીધો : મોહમ્મદ અલીએ અને મેં મૅરેજ કરવાનું નક્કી કીધું છે. સાંભળીને બધ્ધા અવાચક! પિતિતશેઠનો ગુસ્સો સાતમે આસમાન... થોરા દહારા પછી રતને પોતાનો ધરમ છોડી મોહમ્મદ અલીનો મજહબ અપનાવી લીધો. ધરમની સાથે નામ બી બદલ્યું અને રતન પિતિતમાંથી બની ગઈ મરિયમ મોહમ્મદ અલી જિન્નાહ! હા, જે ૧૯૪૭માં બન્યા પાકિસ્તાનના કાયદે આઝમ મોહમ્મદ અલી જિન્નાહ.
પિતિત ખાનદાનની બીજી થોરી વાતો હવે પછી.  


Whatsapp-channel Whatsapp-channel

08 February, 2025 09:56 PM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK