મહારાષ્ટ્રના મિનિસ્ટર ઑફ માર્કેટિંગ ઍન્ડ પ્રોટોકોલ જયકુમાર રાવલે વેપારીઓને આપી હૈયાધારણ
GROMA અને FAMના પદાધિકારીઓએ મહારાષ્ટ્રના મિનિસ્ટર ઑફ માર્કેટિંગ ઍન્ડ પ્રોટોકોલ જયકુમાર રાવલનું બુકે આપીને સન્માન કર્યું હતું.
પનવેલમાં મહારાષ્ટ્ર સરકાર વિકાસના નવા પ્રોજેક્ટ્સ લાવવાની યોજના બનાવવાની સાથે જર્જરિત થઈ ગયેલી નવી મુંબઈના વાશીની ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC) માર્કેટને પણ નવા વાઘા પહેરાવીને એનું પનવેલમાં સ્થળાંતર કરવાની છે એવા સમાચાર વહેતા થવાથી APMC માર્કેટના વેપારીઓમાં ઊહાપોહ મચી ગયો હતો. જોકે તાજેતરમાં મહારાષ્ટ્ર રાજ્ય વ્યાપારી કૃતિ સમિતિના નેજા હેઠળ મહારાષ્ટ્રના મિનિસ્ટર ઑફ માર્કેટિંગ ઍન્ડ પ્રોટોકોલ જયકુમાર રાવલે માર્કેટની મુલાકાત દરમ્યાન આ વાતને રદિયો આપ્યો હતો.
આ બાબતની માહિતી આપતાં ગ્રેન, રાઇસ ઍન્ડ ઑઇલસીડ્સ મર્ચન્ટ્સ અસોસિએશન (GROMA)ના પ્રમુખ ભીમજી ભાનુશાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘માર્કેટનું સ્થળાંતર કરવું એ કોઈ રમતવાત નથી. ગયા અઠવાડિયે જયકુમાર રાવલની માર્કેટની મુલાકાત સમયે APMC માર્કેટના વેપારીઓની સમસ્યાઓ વિશે અને ખાસ કરીને નવી મુંબઈ અને પુણેની APMC માર્કેટના પુનર્વિકાસ વિશે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે અમારા સવાલનો જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે એમાં કોઈ શંકા નથી કે મહારાષ્ટ્ર સરકાર પનવેલ પાસે ત્રીજું મહા મુંબઈ વિકસાવવાની મોટી યોજના બનાવી રહી છે અને આ પ્રોજેક્ટ હાલમાં વિચારણા હેઠળ છે, પરંતુ નવી મુંબઈની APMC માર્કેટમાં વેપાર કરતા વેપારીઓનું સ્થળાંતર કરવાની સરકારની કોઈ યોજના નથી. નવી મુંબઈની APMC માર્કેટના પુનર્વિકાસ કે વેપારીઓના સ્થળાંતર બાબતે વેપારીઓને વિશ્વાસમાં લીધા વગર કોઈ પણ જાતનો નિર્ણય લેવામાં આવશે નહીં એવું આશ્વાસન તેમણે આપ્યું હતું.’
આ મુલાકાત સમયે GROMAના પ્રમુખ ભીમજી ભાનુશાલી, મંત્રી અને APMCના સંચાલક નીલેશ વીરા, પુણે મર્ચન્ટ્સ ચેમ્બરના પ્રમુખ રાયકુમાર નાહર, વ્યાપારી કૃતિ સમિતિના કન્વીનર રાજેન્દ્ર બથિયા, ફેડરેશન ઑફ અસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્ર (FAM)ના પ્રમુખ જિતેન્દ્ર શાહ સહિતના વેપારી અગ્રણીઓ હાજર રહ્યા હતા.