Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રેલવે અને મેટ્રોને મુંબઈ પોલીસની અપીલ- ૨૪ કલાક સર્વિસ ચાલુ રાખો

રેલવે અને મેટ્રોને મુંબઈ પોલીસની અપીલ- ૨૪ કલાક સર્વિસ ચાલુ રાખો

Published : 24 September, 2026 09:05 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિસર્જનમાં ૨૪,૦૦૦+ પોલીસ ખડેપગે રહેશે, ડ્રોન અને AIથી રાખવામાં આવશે કડક નજર

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈમાં ગણેશમૂર્તિ વિસર્જનનાં સરઘસો દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે મુંબઈ પોલીસ દ્વારા વ્યાપક સુરક્ષાવ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમગ્ર મુંબઈમાં ૨૪,૦૦૦થી વધુ પોલીસ-કર્મચારીઓને તહેનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વર્ષે સુરક્ષાવ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે મુંબઈ પોલીસ પ્રથમ વખત રૂટ અને ટ્રાફિક-વ્યવસ્થાપન માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) ટેક્નૉલૉજીનો ઉપયોગ કરશે. આ ઉપરાંત ભીડભાડવાળા વિસ્તારો અને સંવેદનશીલ સ્થળો પર સતત નજર રાખવા માટે ડ્રોન કૅમેરા તહેનાત કરવામાં આવશે.
સુરક્ષા ચુસ્ત કરવાના હેતુથી મુંબઈ પોલીસની સાથે સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (SRPF)ની કંપનીઓ, સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF)ની ૪ કંપનીઓ, ક્વિક રિસ્પૉન્સ ટીમ (QRT) અને બૉમ્બ ડિટેક્શન ઍન્ડ ડિસ્પૉઝલ સ્ક્વૉડ (BDDS)ની ટીમો પણ મુંબઈના વિવિધ ભાગોમાં તહેનાત રહેશે. આ તમામ 
સુરક્ષાદળો મુંબઈનાં મુખ્ય વિસર્જન સ્થળો, દરિયાકિનારાઓ અને સરઘસના માર્ગો પર તીક્ષ્ણ નજર રાખશે જેથી અનિચ્છનીય બનાવ અટકાવી શકાય. વિસર્જન દરમ્યાન નાગરિકોને અવરજવરમાં કોઈ મુશ્કેલી ન પડે એ માટે મુંબઈ પોલીસે રેલવે ઑથોરિટી અને મેટ્રો-પ્રશાસનને વિનંતી કરી છે કે તેઓ વિસર્જનના દિવસે ૨૪ કલાક અવિરત ટ્રેન અને મેટ્રો સર્વિસ શરૂ રાખવા પર વિચાર કરે. આ સાથે જ પોલીસે મુંબઈગરાઓને અફવાઓ પર ધ્યાન ન આપવા અને કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ કે વસ્તુ જણાય તો તાત્કાલિક પોલીસ-પ્રશાસનને જાણ કરવા અપીલ કરી છે. 

વિદેશી મુલાકાતીઓ માટે મુંબઈના ગિરગાવ ચોપાટી પર મંડપ
વિસર્જન દરમ્યાન વિદેશી પ્રવાસીઓને રાજ્યની સાંસ્કૃતિક પરંપરાઓ અને ભવ્યતાનો નજીકથી અનુભવ કરાવવા માટે ગિરગામ ચોપાટી પર એક ખાસ વ્યુઇંગ પૅવિલિયન ઊભું કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર ટૂરિઝમ ડિપાર્ટમેન્ટે આ ખાસ વ્યવસ્થા પ્રવાસીઓને મહારાષ્ટ્રના અનોખા સાંસ્કૃતિક વારસાથી પરિચિત કરાવવા અને ટૂરિઝમને વેગ મળે એ ઉદ્દેશ્યથી કરી હોવાનું જણાવ્યું હતું.



આરે મેટ્રો કૉમ્પ્લેક્સમાંથી મગર મળ્યો


આરે મેટ્રો કારશેડ કૉમ્પ્લેક્સના ૮ ફુટ ઊંડા ઇલેક્ટ્રિક ડક્ટમાંથી ગઈ કાલે વહેલી સવારે ૩ ફુટ ૭ ઇંચ લાંબા ઇન્ડિયન માર્શ પ્રજાતિના મગરનું બચ્ચું મળી આવ્યું હતું. સિક્યૉરિટી ગાર્ડે મગરને ડક્ટમાં જોતાં જ હેલ્પલાઇન પર જાણ કરી હતી જેના આધારે વાઇલ્ડલાઇફ વેલ્ફેર અસોસિએશન (WWA)ની ટીમ દ્વારા મગરને સુરક્ષિત બહાર કાઢ્યો હતો. ત્યાર બાદ મુંબઈ ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરીને મગરને વેટરિનરી તપાસ માટે WWA ટ્રાન્ઝિટ સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ડૉક્ટર દ્વારા તપાસ બાદ એને સંપૂર્ણ સ્વસ્થ જાહેર કરાતાં કુદરતી આવાસમાં મુક્ત કરવાની કામગીરી હાથ ધરાઈ છે.


Whatsapp-channel Whatsapp-channel

24 September, 2026 09:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK