ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના બંગલા પરિસરમાં નાગ દેખાતાં એને રેસ્ક્યુ કરવા ટીમ બોલાવવામાં આવી
માતોશ્રી બંગલા પરિસરમાં દેખાયેલા નાગને જોવા ઉદ્ધવ ઠાકરે ઘરની બહાર આવ્યા હતા
ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના બાંદરા (ઈસ્ટ)ના કલાનગરમાં આવેલા નિવાસસ્થાન માતોશ્રી બંગલા પરિસરમાં રવિવારે બપોરે એક ઝેરી નાગ જોવા મળ્યો હતો. સાપ બંગલાના એક ખૂણામાં દીવાલ પર ચડવાનો પ્રયાસ કરતો દેખાયા બાદ વાઇલ્ડ લાઇફ ઍનિમલ પ્રોટેક્શન ઍન્ડ રેસ્ક્યુ અસોસિએશન નામની સંસ્થાને ફોન કરવામાં આવતાં આ ટીમના મેમ્બરોએ નાગને પકડીને જંગલમાં છોડી દીધો હોવાનું જાણવા મળ્યું હતું. બંગલા પરિસરમાં નાગ હોવાની માહિતી મળ્યા બાદ ખુદ ઉદ્ધવ ઠાકરે એને જોવા માટે ઘરની બહાર નીકળ્યા હતા.
ઉદ્ધવ ઠાકરેના બાંદરામાં આવેલા માતોશ્રી બંગલા પરિસરમાં રવિવારે બપોરે એક નાગ ફરી રહ્યો હોવાનો કૉલ વાઇલ્ડ લાઇફ ઍનિમલ પ્રોટેક્શન ઍન્ડ રેસ્ક્યુ અસોસિએશનને રવિવારે બપોરે ૧.૫૪ વાગ્યે કરવામાં આવ્યો હતો. નાગ બંગલાના એક ખૂણે છે અને તે દીવાલ પર ચડવાનો પ્રયાસ કરી રહ્યો હોવાનું ફોન કરનારે કહ્યું હતું.
ADVERTISEMENT
માતોશ્રી બંગલા પરિસરમાં નાગ હોવાનો કૉલ મળ્યા બાદ સર્પમિત્ર અતુલ કાંબળે ઘટનાસ્થળે પહોંચ્યો હતો. માતોશ્રી બંગલા પરિસરમાં નાગ પાણીની ટાંકીની પાછળ બેસેલો જોવા મળ્યો હતો. ચાર ફીટ લાંબા નાગને ત્યાર બાદ પકડીને કપડાની થેલીમાં પૂરી દેવાયો હતો. ત્યાર બાદ આ માહિતી થાણે વન વિભાગના કન્ટ્રોલ રૂમને આપવામાં આવી હતી. વન વિભાગની ગાઇડલાઇન મુજબ નાગને કુદરતી વાતાવરણમાં છોડી મૂકવામાં આવ્યો હતો.


