૧૮ ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા
અલીબાગમાં મધદરિયે મધરાત બાદ બોટમાં લાગી આગ
અલીબાગના આક્ષી વિસ્તારમાં રહેતા માછીમાર રાકેશ ગણની માછીમારીની એકવીરા માઉલી નામની બોટમાં ગુરુવારે મધરાતે ૩ વાગ્યે આગ લાગી હતી. બોટ અલીબાગના દરિયામાં કિનારાથી ૬થી ૭ નૉટિકલ માઇલ દૂર હતી ત્યારે એમાં આગ લાગી હતી. એની જાણ કોસ્ટગાર્ડ, મૅરિટાઇમ બોર્ડ, રાયગડ પોલીસ અને ઇન્ડિયન નેવીને કરવામાં આવી હતી.
ઇન્ડિયન કોસ્ટગાર્ડની સાવિત્રીબાઈ ફુલે બોટ સળગી રહેલી બોટ સુધી પહોંચી ગઈ હતી. એ પછી ઇન્ડિયન કોસ્ટગાર્ડની ફાયર-ફાઇટિંગની બોટ ધનલક્ષ્મી પણ તેમની મદદે પહોંચી ગઈ હતી. રાકેશની બોટ પર ૧૮ ખલાસીઓ હતા એ તમામને કોસ્ટગાર્ડે બચાવી લીધા હતા. કોસ્ટગાર્ડના જવાનોએ બોટ પર પાણીનો મારો ચલાવીને બોટ બચાવવાનો પ્રયાસ કર્યો હતો છતાં આખી બોટ બળીને ખાખ થઈ ગઈ હતી. બોટ પરના ખલાસીઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. એ પછી સળગી ગયેલી બોટને ટો કરીને અલીબાગ લઈ જવામાં આવી હતી.

