Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > એક રૉકેટ અચ્છે-અચ્છે કરોડપતિ કો રોડ પે લા દેતા હૈ

એક રૉકેટ અચ્છે-અચ્છે કરોડપતિ કો રોડ પે લા દેતા હૈ

Published : 10 November, 2026 08:02 AM | IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

‌વિદ્યા‌વિહારના કમ‌ર્શિયલ ‌બિ‌લ્ડિંગમાં ‌દિવાળીની રાતે ફટાકડાને લીધે લાગેલી આગમાં સર્વસ્વ ગુમાવનાર મુંબઈના પ્ર‌તિ‌ષ્ઠિત ગુજરાતી આ‌‍‌ર્કિટેક્ટ મનોજ દ‌હિસ‌રિયાએ ઠાલવી પોતાની વ્યથા

‌દિવાળીની રાત્રે ‌વિદ્યા‌વિહારમાં આવેલા સ્કાયલાઇન એ‌પિટમી ‌બિ‌‌‌‌લ્ડિંગમાં લાગેલી આગ.

‌દિવાળીની રાત્રે ‌વિદ્યા‌વિહારમાં આવેલા સ્કાયલાઇન એ‌પિટમી ‌બિ‌‌‌‌લ્ડિંગમાં લાગેલી આગ.


ફટાકડા ફોડવાની થોડી ક્ષણોની મજા કોઈની જિંદગીભરની મહેનત અને કરોડોની સંપત્તિનો નાશ કરી શકે છે એનું જીવંત ઉદાહરણ વિદ્યાવિહારના સ્કાયલાઇન એપિટમી નામના કમર્શિયલ કૉમ્પ્લેક્સમાં જોવા મળ્યું છે. દિવાળીની રાતના ૧૧ વાગ્યાની આસપાસ એક રૉકેટને કારણે લાગેલી આગમાં આ કૉમ્પ્લેક્સના આઠમા માળે આવેલી મુંબઈના પ્રતિષ્ઠિત આર્કિટેક્ટ મનોજ દ‌હિસરિયાની ઑફિસ અને સાતમા માળે આવેલી મેસર્સ વિશાલ શિપિંગ તથા પ્રવીણ તન્નાની ઑફિસ બળીને આગમાં ખાખ થઈ ગઈ હતી. એક નાનકડી પેન્સિલ પણ બચી નથી. સદ્ભાગ્યે રવિવાર અને દિવાળીની રજા હોવાથી કોઈ જાનહાનિ થઈ નહોતી. ૮ માળની ઇમારતના સાતમા અને આઠમા માળે લાગેલી આગ એટલી વિકરાળ હતી કે ફાયરબ્રિગેડે સતત ૧૦ કલાકની જહેમત બાદ એના પર કાબૂ મેળવ્યો હતો. 

આગ કેવી રીતે લાગી એની વિગતો આપતાં મનોજ દ‌હિસરિયાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘રવિવાર અને દિવાળી હોવાથી સ્કાયલાઇન એપિટમી કમર્શિયલ કૉમ્પ્લેક્સ સંપૂર્ણપણે બંધ હતું. અમને મળેલી માહિતી પ્રમાણે કૉમ્પ્લેક્સની બાજુમાંથી વિદ્યાવિહાર રેલવે-સ્ટેશન તરફ જતા રસ્તા પર સ્થાનિક રહેવાસીઓ ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરી રહ્યા હતા. આ દરમ્યાન ફોડવામાં આવેલું એક રૉકેટ ઊડીને કૉમ્પ્લેક્સના સાતમા માળે આવેલી મારી ઑફિસના ખુલ્લા ભાગને ઢાંકવા માટે લગાવવામાં આવેલી પ્લાસ્ટિકની શીટમાં ફસાઈ ગયું હતું. પ્લાસ્ટિકની શીટમાં આગ લાગ્યા બાદ આગ ઝડપથી ફેલાઈ હતી અને જોતજોતાંમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.’
મનોજ દ‌હિસરિયાએ પોતાની ઑફિસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ જવાની વ્યથા વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘એક રૉકેટ અચ્છે-અચ્છે કરોડપતિ કો ભી રોડ પે લા દેતા હૈ. મારી ઑફિસ



સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે. એમાં એક પેન્સિલ પણ બચી નથી‌. આખી‌ ઘટનામાં અમારી કોઈ જ ભૂલ નથી પણ અમારી વર્ષોની મહેનતનો સંપૂર્ણ ડેટા આગમાં બળીને ખાખ થઈ ગયો છે. અમારે હવે શૂન્યમાંથી ફરીથી સર્જન કરવાનો સમય આવી ગયો છે. અમારે અત્યારે નાનકડી મીટિંગ કરવી હોય તો એના માટે અમે બેસી શકીએ એવી કોઈ જગ્યા બચી નથી. જીવનની બધી જ મહેનત આ આગમાં બળી ગઈ છે. ફરીથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે અમે અત્યારે ભગવાન ભરોસે છીએ.’ 


આ આગમાં મેસર્સ વિશાલ શિપિંગ અને પ્રવીણ તન્નાની ઑફિસને પણ ભારે નુકસાન થયું છે. એ સંદર્ભની માહિતી આપતાં પ્રવીણ તન્નાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વિશાલ શિપિંગમાં આશરે ૩૦૦ કર્મચારીઓનો સ્ટાફ છે. કંપનીની ઑફિસ અને વર્ષોની મહેનતથી ઊભું કરેલું બિઝનેસ સામ્રાજ્ય આગમાં બળીને ખાખ થઈ જતાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. અમારે હવે બીજે ભાડાની જગ્યા લઈને ફરીથી સામ્રાજયનું સર્જન કરવાની નોબત આવી ગઈ છે. અમારાથી ફાયર-સ્ટેશન નજીક હોવા છતાં ફાયરબ્રિગેડને ઘટનાસ્થળે આવતાં દોઢ કલાકનો સમય લાગ્યો હતો જે ખરેખર અત્યંત દુઃખજનક બીના છે. અમે જોતા રહ્યા અને અમારી આંખ સામે અમારી સંપૂર્ણ ઑફિસ બળીને ખાખ થઈ ગઈ હતી.’

સ્થાનિક રહેવાસીઓેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વિદ્યાવિહાર રેલવે-સ્ટેશન નજીક આવેલી આ ૮ માળની કમર્શિયલ ઇમારતમાં રાત્રે આશરે ૧૧ વાગ્યે આગ લાગી હતી. આગ ખાસ કરીને સાતમા અને આઠમા માળે વિકરાળ બની હતી. પ્લાસ્ટિકની શીટ અને અન્ય જ્વલનશીલ સામગ્રીને કારણે આગ ફેલાઈ હોવાનું પ્રાથમિક વર્ણન છે. ફાયરબ્રિગેડે સતત ૧૦ કલાક સુધી કામગીરી કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો. રવિવાર અને દિવાળીની રજા હોવાથી કૉમ્પ્લેક્સ બંધ હતું. આથી કર્મચારીઓની હાજરી નહોતી. કૉમ્પ્લેક્સની સિક્યૉરિટીને પણ આગ લાગ્યાની ખબર પડી નહોતી. જોકે કૉમ્પ્લેક્સની સામે આવેલા ઘાટકોપર જૉલી જિમખાનામાં ચાલી રહેલા ફંક્શનમાં હાજર રહેલા લોકોની આગ પર નજર જતાં તેમણે બૂમાબૂમ કર્યા બાદ ઊહાપોહ મચી ગયો હતો.’

ઘાટકોપરના કલ્પતરુ ઓરામાં પોલીસ પૅટ્રોલિંગ, CCTV કૅમેરાનાં ફુટેજની તપાસ
ફટાકડાને કારણે રહેણાક વિસ્તારોમાં ઊભા થતા જોખમને ધ્યાનમાં રાખીને ઘાટકોપરની કલ્પતરુ ઑરા સોસાયટીની અૅપેક્સ મૅનેજમેન્ટ કમિટીએ પણ રહેવાસીઓ માટે કડક સૂચના જાહેર કરી છે. આ બાબતની માહિતી આપતાં આ સોસાયટીના રહેવાસીઓેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કમિટીના જણાવ્યા મુજબ ફટાકડા અને રૉકેટને કારણે કેટલાક ફ્લૅટમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી છે. રાતના ૧૦ વાગ્યા પછી અને રહેણાક ઇમારતોની નજીક ફટાકડા ફોડવા વિશે રહેવાસીઓએ પોલીસને ફરિયાદ કરી હતી. આ ફરિયાદોને પગલે પાર્કસાઇટ પોલીસ-સ્ટેશન દ્વારા સોસાયટીના પરિસરમાં પૅટ્રોલિંગ કરવામાં આવશે અને CCTV કૅમેરાનાં ફુટેજ તપાસવામાં આવશે એવી જાણ કરવામાં આવી હોવાનું કમિટીએ જણાવ્યું છે. રાતના ૧૦ વાગ્યા પછી અથવા રહેણાક ઇમારતોની નજીક ફટાકડા ફોડતી કોઈ પણ વ્યક્તિ સામે FIR નોંધાઈ શકે છે એવી ચેતવણી પણ કમિટીએ આપી છે. રહેવાસીઓને રાતના ૧૦ વાગ્યા સુધીમાં ફટાકડા ફોડવાનું બંધ કરવા અને ઇમારતોની નજીક ફટાકડા ન ફોડવા અપીલ કરવામાં આવી છે.’
 
રૉકેટ જેવા ફટાકડા પર કાયમી પ્રતિબંધની માગણી
ઘાટકોપરમાં દિવાળીના તહેવારો દરમ્યાન આગ લાગી હોય એવી આ ત્રીજી ઘટના છે. સૌથી પહેલી આગ પંતનગરના બી રૉયલ અલ્ટેઝા બિલ્ડિંગમાં લાગી હતી જેમાં ફ્લૅટ બળી જવા સાથે ત્રણ વ્યક્તિઓ ઈજા પામી હતી. લોકો આ બનાવમાંથી બહાર આવે એ પહેલાં એના બીજા જ દિવસે પુણે વિદ્યા ભવન રોડ પર આવેલા શિવનેરી બિલ્ડિંગમાં ફટાકડાને લીધે આગ લાગી હતી. ત્યાર પછી દિવાળીના દિવસે જ વિદ્યાવિહારના સ્કાયલાઇન એપિટૉપ કમર્શિયલ કૉમ્પ્લેક્સમાં આગ લાગી હતી. સ્થાનિક રહેવાસીઓ કહે છે કે દિવાળીના તહેવાર દરમ્યાન દર વર્ષે ફટાકડાને કારણે આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. વિદ્યાવિહારની આ દુર્ઘટના બાદ ઘટનાસ્થળે હાજર લોકોએ હવામાં ઊંચે જઈને દૂર સુધી ફૂટતા રૉકેટ જેવા ફટાકડા પર સરકાર દ્વારા સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માગણી કરી હતી. ફટાકડા ફોડનારની બેદરકારીનો ભોગ નિર્દોષ વ્યક્તિઓ અને વર્ષોની મહેનતથી ઊભી કરેલી મિલકત બને એ કેટલું યોગ્ય છે, એવો સવાલ પણ ઊઠ્યો હતો.
દિવાળીની ઉજવણી દરમ્યાન ફોડવામાં આવેલા એક રૉકેટથી કરોડોની સંપત્તિને નુકસાન થઈ શકે છે અને અનેક પરિવારો તથા કર્મચારીઓના જીવન પર એની અસર પડી શકે છે, એ આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે. ફટાકડાની થોડી ક્ષણોની ખુશી કોઈના જીવનભરના પરિશ્રમ પર ભારે ન પડે એ માટે હવે ઉજવણી કરતાં સુરક્ષાને વધુ મહત્ત્વ આપવાની જરૂર છે.


Whatsapp-channel Whatsapp-channel

10 November, 2026 08:02 AM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK