વલસાડના બિનવાડાનાં ૧૦૫થી વધુ ઉંમરનાં બાની તેમની ઇચ્છા મુજબ વાજતેગાજતે અંતિમયાત્રા નીકળી. તેમણે પરિવારજનોને કહ્યું હતું કે હું ભગવાનના ઘરે જાઉં ત્યારે કોઈએ રડવાનું નહીં, મને હસતે મોઢે વિદાય આપવાની
105 વર્ષનાં બાની ઇચ્છા પ્રમાણે તેમની અંતિમયાત્રા દરમ્યાન બૅન્ડબાજાં વગાડીને ફટાકડા ફોડ્યા હતા.
ઘરની કોઈક વ્યક્તિ જીવ ગુમાવે તો પરિવાર ભાવુક થઈને રડી-રડીને અડધો થઈ જાય અને દુ:ખનું વાતાવરણ સર્જાય, જ્યારે વલસાડના પટેલ-પરિવારમાં તેમના પરિવારનાં એક સભ્ય ૧૭ માર્ચે સાંજે પોણાછ વાગ્યે દેવલોક પહોંચ્યાં ત્યાર બાદ અનોખું વાતાવરણ જોવા મળ્યું હતું. પટેલ-પરિવારનાં સૌથી મોટી ઉંમરનાં એટલે કે ૧૦૫ વર્ષથી વધુ વર્ષનાં બાની ઇચ્છા પ્રમાણે તેમના પરિવારે બૅન્ડવાજાં વગાડીને તથા ફટાકડા ફોડીને ૧૮ માર્ચે તેમની અંતિમયાત્રા ગામમાંથી કાઢી હતી. લોકોને નવીનતા લાગી હતી અને તેમનાં અંતિમ દર્શન કરવા લોકો ઊમટી પડ્યા હોવાથી અઢી કલાકે તેમની અંતિમયાત્રા સ્મશાનભૂમિ પહોંચી હતી.

ADVERTISEMENT
વલસાડમાં અતુલ હાઇવેથી બે કિલોમીટરના અંતરે આવેલા બિનવાડા ગામનાં દોઢિયા પટેલ સમાજનાં દિનુબહેન મનસુખલાલ પટેલ (બા)ને નખમાં પણ રોગ નહોતો એમ જણાવીને તેમના પૌત્ર યોગેશ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તેમને કોઈ પ્રકારની બીમારી નહોતી અને ઘરની રસોઈ પણ પોતાના હાથે બનાવતાં હતાં એટલે સૌકોઈને નવાઈ લાગતી હતી. ૩-૪ દિવસથી તેમણે જમવાનું છોડી દીધું હતું અને ફક્ત પાણી પીતાં હતાં. છેલ્લા બે દિવસથી તેઓ આંખ અને મોઢું માંડ ખોલતાં હતાં. એ વખતે અમે તેમને પાણી પીવડાવતા હતા. બાના મોટા ભાગના જોડીદારો ઘણાં વર્ષ પહેલાં ગુજરી ગયા હતા. બાની ઉંમર આમ તો ૧૦૫ વર્ષથી વધુ છે, પરંતુ પહેલાં જન્મતારીખની જાણ ન હોવાથી તેમના ઓળખીતાઓની ઉંમર સાથે અમે અંદાજ લગાવીએ છીએ. બોલવાથી લઈને રસોઈમાં બાનો હાથ કોઈ પકડી ન શકે. બે-ચાર મહિના પહેલાં જ તેમણે રસોઈ બનાવવાનું બંધ કર્યું હતું, પણ ત્યાં સુધી તો તેઓ રસોઈ પણ બનાવતાં હતાં. શ્રી સાંઈનાથ સેવાભાવી મંડળ નામની અમારી સંસ્થા ઍમ્બ્યુલન્સ-સર્વિસથી લઈને બ્લડ ડોનેશન કૅમ્પનું આયોજન કરે છે અને અમને ૩૩થી વધુ અવૉર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યા છે.’

બૅન્ડવાજાં સાથે અંતિમયાત્રા નીકળી
બાના સારા સ્વભાવને લીધે તેઓ આખા ગામમાં જાણીતાં હતાં એમ જણાવીને યોગેશ પટેલે કહ્યું હતું કે ‘ઘઉં દળવાની ઘંટી બા ચલાવતાં હોવાથી જરૂરિયાતમંદોને મદદ પણ કરતાં. બાને ગણીને અમે ૧૩ જણ સાથે રહેતાં હતાં, પરંતુ બાનો ઇમ્યુનિટી પાવર અને ઉત્સાહ અમારા કરતાં વધુ હતો. બાએ ૨૦૧૭માં અમને કહ્યું હતું કે હું ક્યારેક ભગવાનના ઘરે જતી રહું તો કોઈએ રડવાનું નહીં, મને હસતા મોઢે અને ધામધૂમથી વિદાય આપવાની, બૅન્ડવાજાં વગાડીને અને ફટાકડા ફોડતાં ગામના અંદરના રસ્તેથી મારી અંતિમયાત્રા લઈ જજો. તેમની ઇચ્છા પ્રમાણે અમે બધું કર્યું. અમારા ઘરથી સ્મશાનભૂમિ ૧૦-૧૫ મિનિટના અંતરે જ છે, પરંતુ ગામના અંદરના રસ્તેથી લઈ જતાં લોકો તેમનાં અંતિમ દર્શન કરવા આવ્યા હોવાથી અમે અઢી કલાકે સ્મશાન પહોંચ્યા હતા. અમને પણ અંદાજ નહોતો કે આટલી સંખ્યામાં લોકો પ્રેમભાવ દેખાડવા આવશે.’
બાએ ૨૦૧૭માં અમને કહ્યું હતું કે હું ક્યારેક ભગવાનના ઘરે જતી રહું તો કોઈએ રડવા બેસવાનું નહીં. મને હસતા મોઢે અને ધામધૂમથી વિદાય આપવાની. બૅન્ડવાજાં વગાડતાં અને ફટાકડા ફોડતાં ગામના અંદરના રસ્તેથી મારી અંતિમયાત્રા લઈ જજો. તેમની ઇચ્છા પ્રમાણે અમે બધું કર્યું.
પૌત્ર યોગેશ પટેલ


