ત્રણેય આરોપીઓને પુણેથી ઝડપી લેવાયા હતા. કેસની વધુ તપાસ ચાલી રહી છે.
પ્રતીકાત્મક તસવીર
કાર ચડાવી મહિલાની હત્યા કરવાની આ ઘટના ગઈ કાલે પરોઢિયે કોંકણના દરિયાકિનારે આવેલા તીર્થધામ હરિહરેશ્વમાં બની હતી.
શ્રીવર્ધન પોલીસે જણાવ્યા અનુસાર ‘પુણેમાં રહેતા ઇરપ્પા યમન્નપા ધોત્રે, આકાશ ગોવિંદ ગાવડે અને વિકી પ્રેમસિંહ ગિલ ત્રણેય ગઈ કાલે સવારે હરિહરેશ્વર પહોંચ્યા હતા. તેમણે ત્યાં રહેવા માટે હોમ-સ્ટેની ફૅસિલિટી નક્કી કરી હતી. જ્યારે તેઓ એ ઘરે પહોંચ્યા ત્યારે તેમને દારૂ પીધેલી હાલતમાં જોઈને ઘરમાલિકે તેમને હોમ-સ્ટે આપવાનો ઇનકાર કરી દીધો હતો એટલે તેમણે ઘરમાલિકની મારઝૂડ કરી હતી. એ વખતે હોહા મચી ગઈ અને બીજા લોકો જાગી જતાં આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા, પણ ઇરપ્પા ધોત્રે પડી ગયો અને ગામલોકોએ તેને પકડી લીધો હતો. જોકે થોડી વાર બાદ આકાશ અને વિકી તેમના મિત્રને છોડાવવા માટે પાછા આવ્યા હતા. એ વખતે તેમણે દારૂના નશામાં તેમની કાર ચલાવીને ઘરમાલિકની બહેનને અડફેટે લીધી હતી અને તેના પર કાર ચડાવી દેતાં તેનું મૃત્યુ થયું હતું. એ વખતે તક જોઈને તેઓ ધોત્રેને છોડાવીને પોતાની સાથે લઈને નાસી ગયા હતા. પોલીસને જાણ કરવામાં આવતાં અમારી ટીમ ત્યાં પહોંચી ગઈ હતી. ત્યાર બાદ ટેક્નિકલી તપાસ કરીને આખરે ત્રણેય આરોપીઓને પુણેથી ઝડપી લેવાયા હતા. કેસની વધુ તપાસ ચાલી રહી છે.

