લોકલ ટ્રેનો સમયસર દોડે એ માટેનાં પગલાંઓમાં સેન્ટ્રલ રેલવેએ વધુ એક મહત્ત્વના પગલાનો ઉમેરો કર્યો છે.
પ્રતીકાત્મક તસવીર
લોકલ ટ્રેનો સમયસર દોડે એ માટેનાં પગલાંઓમાં સેન્ટ્રલ રેલવેએ વધુ એક મહત્ત્વના પગલાનો ઉમેરો કર્યો છે. કલ્યાણ અને કર્જત વચ્ચેના ૧૦ લેવલ-ક્રૉસિંગ (LC) ગેટ બંધ કરવાની તૈયારી થઈ રહી છે. વાહનો પાટા ક્રૉસ કરે ત્યાં સુધી આ દરેક લેવલ-ક્રૉસિંગ ગેટને લીધે ટ્રેનને ત્રણથી ૭ મિનિટ સુધી ઊભા રહેવું પડે છે.
સેન્ટ્રલ રેલવેના અધિકારીઓના જણાવવા મુજબ વાંગણીમાં ૪, નેરળમાં એક, ભિવપુરીમાં ૩ અને કર્જતમાં બે લેવલ-ક્રૉસિંગ ગેટ બંધ કરવામાં આવશે. એના બદલામાં રોડ ઓવર બ્રિજ (ROB) બનાવવામાં આવશે. આ બધા લેવલ-ક્રૉસિંગ ગેટ સેન્ટ્રલ રેલવેના સબર્બન રેલ કૉરિડોર પર છે. ૧૦ ગેટ બંધ થવાથી કલ્યાણ-કર્જત/ખોપોલી વિભાગ પર દોડતી ટ્રેનોનો સરેરાશ આઠથી ૧૦ મિનિટનો સમય બચશે.
ADVERTISEMENT
અંદાજે ૨૩૬ કરોડ રૂપિયાના ખર્ચે ૧૦ નવા ROB બનશે જે માટે ટેન્ડરની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. લેવલ-ક્રૉસિંગ ગેટ મુંબઈના સબર્બન રેલ કૉરિડોરના છેડા પર હોવા છતાં તેઓ ખોપોલી અને કર્જતથી CSMT તરફ આવતી ટ્રેનોને અસર કરે છે. કોઈ પણ સમયે વાંગણી અને ભિવપુરીમાં આવેલા ગેટમાંથી ઓછામાં ઓછો એક ગેટ ખુલ્લો રહે છે જેને કારણે ટ્રેનોને થોભવાની ફરજ પડે છે. કર્જત સ્ટેશનના રીમૉડલિંગ દરમ્યાન આ સમસ્યા સામે આવતાં સેન્ટ્રલ રેલવેએ લેવલ-ક્રૉસિંગ ગેટ બંધ કરવાનો નિર્ણય લીધો હતો.


