મુંબઈ: શ્રેષ્ઠ કોવિડ-19 વૉરિયર્સ’નું પોલીસ કમિશનરે સન્માન કર્યું
શ્રેષ્ઠ કોવિડ-19 વૉરિયર્સ
કોરોનાના મુશ્કેલ તબક્કા સામે લડત આપનારા ફ્રન્ટલાઇન વૉરિયર્સમાં પોલીસનો સમાવેશ થાય છે. મહામારી દરમ્યામ્ન ઉત્કૃષ્ટ ફરજ બજાવનાર પાંચ પોલીસ-કર્મચારીનું તાજેતરમાં સન્માન કરવામાં આવ્યું હતું. આ પોલીસ-કર્મચારીઓ જ્યાં પોસ્ટિંગ ધરાવે છે એ પોલીસ-સ્ટેશનોમાં મુંબઈના પોલીસ-કમિશનર પરમબીર સિંહે તેમને ‘બેસ્ટ કોવિડ-19 વૉરિયર’ તરીકે સન્માનિત કર્યા હતા. સાથે જ કમિશનરે તેમને કોરોના સામે સ્વયંનું રક્ષણ કરવા વિશે વિદ્યાર્થીઓને ઑનલાઇન વ્યાખ્યાન આપવાની પણ સૂચના આપી હતી. બુધવારે પોલીસ-કર્મચારી નાઇકે ચેમ્બુરની ગ્રીન એકર્સ ઍકૅડેમી ઇન્ટરનૅશનલ સ્કૂલના વિદ્યાર્થીઓને ઝૂમ મીટિંગમાં આવું વ્યાખ્યાન આપ્યું હતું.
દહિસર પોલીસ-સ્ટેશનના પોલીસ નાઇક મેથેકરે દહિસરની ઝૂંપડપટ્ટીના લાખો રહેવાસીઓમાં કોરોના વિશે જાગૃતિ ફેલાવીને તેમને ઉગાર્યા હતા અને તેઓ તમામ તકેદારીઓ રાખે એ સુનિશ્ચિત કર્યું હતું. મેથેકર આ માટે માર્ગદર્શક વ્યાખ્યાન આપી રહ્યા છે. દહિસરની ઝૂંપડપટ્ટીઓમાં કોરોનાના કેસ ન હોવાનું શ્રેય મેથેકર અને તેમની ટીમને જાય છે.
ADVERTISEMENT
સમતાનગર પોલીસ-સ્ટેશનના નિમ્બાલકરે પોલીસ વિભાગ માટે કોવિડ-19 સેન્ટર શરૂ કર્યું હતું અને ૨૦૦ કરતાં વધુ પોલીસ-કર્મચારીઓ અને તેમના પરિવારજનોની સારવાર થાય એ સુનિશ્ચિત કર્યું હતું.
તારદેવ પોલીસ સ્ટેશનના પીએસઆઇ પાટીલે માર્ગ પર પડેલા કોરોનાના એક ગંભીર હાલતના દરદીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં મદદ કરી હતી.
એમઆઇડીસી પોલીસ-સ્ટેશનમાં ફરજ બજાવતા રણદીવે ૧૫૦૦થી વધુ સંક્રમિત પોલીસ-કર્મચારીઓ અને તેમના પરિવારજનોને સેવન હિલ્સ હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં મદદ પૂરી પાડી હતી.
ગોરેગામ પોલીસ-સ્ટેશનના કિસાવેએ લૉકડાઉન દરમ્યાન ૨૦,૦૦૦ કરતાં વધુ સ્થળાંતરિત શ્રમિકોને આશ્રયસ્થાન પૂરાં પાડવામાં અને તેમને સલામત રીતે તેમના વતન પહોંચાડવામાં મદદ પૂરી પાડી હતી.

