મહાયુતિમાં ચાલતા મતભેદનો ફાયદો ઉઠાવવા કૉન્ગ્રેસના નેતાએ એકનાથ શિંદે અને અજિત પવારને મુખ્ય પ્રધાનની ઑફર કરી : BJPના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ કૉન્ગ્રેસના નાના પટોલેને મહાયુતિમાં જોડાવાનું કહ્યું
નાના પટોલે, અજિત પવાર, એકનાથ શિંદે
મહારાષ્ટ્રની સત્તાધારી મહાયુતિની સરકારમાં પાલક પ્રધાન બાબતે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું હોવાનું કહેવાય છે. એવામાં કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ પ્રદેશાધ્યક્ષ નાના પટોલેએ કહ્યું હતું કે ‘મહાયુતિની સરકારમાં અજિત પવાર અને એકનાથ શિંદેની સ્થિતિ સારી નથી. તેમને સરકારમાં ગૂંગળામણ થઈ રહી છે. અમે આ બન્ને નેતાને સપોર્ટ આપવા તૈયાર છીએ. મુખ્ય પ્રધાનપદનો ઉકેલ લાવવા માટે અમે બન્નેને વારાફરતી મુખ્ય પ્રધાન બનાવીશું. ભારતીય જનતા પાર્ટી આ બે નેતાને ક્યારેય મુખ્ય પ્રધાન નહીં બનાવે.’
નાના પટોલેની વાતને સમર્થન આપતાં ઉદ્ધવસેનાના મુખ્ય પ્રવક્તા સંજય રાઉતે કહ્યું હતું કે ‘૨૦૧૯માં કોઈએ વિચાર્યું હતું કે ઉદ્ધવ ઠાકરેની આગેવાનીમાં મહાયુતિની સરકાર બનશે? ૨૦૨૪માં કોઈએ નહીં વિચાર્યું હોય કે લોકસભાની ચૂંટણીનાં પરિણામો બાદ દેવેન્દ્ર ફડણવીસ ફરી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનશે. રાજકારણમાં બધી શક્યતાઓ છે. મહાયુતિની સરકારમાં પડદાની પાછળ ઘણું બધું ચાલી રહ્યું છે એને ધ્યાનમાં લઈને નાના પટોલેએ અજિત પવાર અને એકનાથ શિંદેને મહા વિકાસ આઘાડીમાં સામેલ થવાની ઑફર કરી હશે.’
ADVERTISEMENT
નાના પટોલે અને સંજય રાઉતને જવાબ આપતાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ કહ્યું હતું કે ‘મહાયુતિમાં કોઈ સંઘર્ષ કે મનમુટાવ નથી. કૉન્ગ્રેસના અને ઉદ્ધવસેનાના નેતાઓ પાસે કોઈ કામ નથી એટલે તેઓ જાત-જાતની અફવા ફેલાવે છે. તેઓ મહાયુતિમાં સામેલ થવા માગતા હોય તો અમારા દરવાજા ખુલ્લા છે.’

