કોવિડના નિયમોનું પાલન ન કરવા બદલ ૩ મૅરેજ હૉલ સામે ફરિયાદ
પ્રતીકાત્મક તસવીર
શહેરના સુધરાઈ વિભાગ દ્વારા મળેલી ફરિયાદને આધારે ૫૦ની નિર્દિષ્ટ મર્યાદા કરતાં વધુ મહેમાનોને હાજર રહેવા દેનારા ત્રણ મૅરેજ હૉલ સામે મુંબઈ પોલીસે કેસ નોંધ્યો હોવાનું અધિકારીએ ગઈ કાલે જણાવ્યું હતું.
કાલિનામાં સીએસટી રોડ પર આવેલા આ ત્રણે મૅરેજ હૉલમાં શુક્રવારે લગભગ ૨૦૦ જેટલા મહેમાનો એકઠા થયા હોવાનું જણાવતાં અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું કે લગ્નના હૉલમાં એકઠા થયેલા મહેમાનોમાંથી ઘણાએ માસ્ક પહેર્યો નહોતો તેમ જ સોશ્યલ ડિસ્ટન્સિંગનાં ધોરણોનું પાલન પણ નહોતાં કરી રહ્યાં.
ADVERTISEMENT
શુક્રવારે રાત્રે દેખરેખ રાખી રહેલા બીએમસીના આરોગ્ય વિભાગના અધિકારીઓના ધ્યાન પર કોવિડ-19 પ્રોટોકોલનો ભંગ કરતા ત્રણ હૉલ આવ્યા હતા. આ ત્રણે હૉલ સામે સંબંધિત અધિકારીઓએ વાકોલા પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધ્યો હતો. છેલ્લા કેટલાક દિવસમાં મુંબઈમાં કોરોના વાઇરસના રોગે ફરીથી માથું ઊંચક્યું છે. ૨૬ ફેબ્રુઆરી એટલે કે ગયા શુક્રવારે શહેરમાં કોરોનાના કેસનો આંકડો ૩,૨૩,૮૭૯ પર નોંધાયો હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

