અંબરનાથ સ્ટેશન પાસે બનેલી આ ઘટનામાં ટીનેજરને આંઠ ટાંકા આવ્યા
શ્રદ્ધા ઉત્તેકર
લોકલ ટ્રેનમાં મુસાફરી કરી રહેલી ૧૯ વર્ષની વિદ્યાર્થિની ટ્રેનમાં કોઈ વસ્તુ ફેંકાતાં ઈજાગ્રસ્ત થઈ હતી અને તેના કપાળ પર આઠ ટાંકા આવ્યા હતા. કલ્યાણ જીઆરપીએ કેસ દાખલ કરીને તપાસ હાથ ધરી હતી.
ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી) પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર બીએમએસના સેકન્ડ યરની વિદ્યાર્થિની અને અંબરનાથની રહેવાસી શ્રદ્ધા ઉત્તેકર ટાઇપિંગ શીખવા માટે વિઠ્ઠલવાડી જાય છે. તે વિઠ્ઠલવાડી લોકલ ટ્રેનમાં જાય છે. ૧૧ ડિસેમ્બરે શ્રદ્ધા કરજત લોકલ ટ્રેનમાં ઘરે પાછી ફરી રહી હતી. તે મોટરમૅનની કેબિન સાથે જોડાયેલા લેડીઝ કોચમાં દરવાજા નજીકના પૅસેજમાં ઊભી હતી. ટ્રેન અંબરનાથ સ્ટેશને પહોંચવાની હતી ત્યારે એક નક્કર પદાર્થ તેના ચહેરા સાથે અફળાઈને શ્રદ્ધાની બાજુમાં ઊભેલી મહિલાના હાથ પર વાગ્યો અને ટ્રેનની બહાર ફેંકાઈ ગયો.
આ ઘટનાને પગલે શ્રદ્ધાના કપાળમાંથી લોહી નીકળવા માંડ્યું. અંબરનાથ સ્ટેશન આવતાંવેંત કોચની મહિલાઓ શ્રદ્ધાને રેલવે સ્ટેશનની ડિસ્પેન્સરીમાં લઈ ગઈ હતી, જ્યાં તેને ફર્સ્ટ એઇડ સારવાર અપાઈ હતી. રેલવે પોલીસે શ્રદ્ધાના પિતાને જાણ કરતાં તેઓ ત્યાં આવી પહોંચ્યા હતા અને તેને નજીકની સાંઈ હૉસ્પિટલમાં લઈ ગયા હતા. શ્રદ્ધાને આઠ ટાંકા આવ્યા હતા. એ પછી તેને હૉસ્પિટલમાંથી રજા અપાઈ હતી. જીઆરપીએ શ્રદ્ધાનું નિવેદન નોંધ્યા બાદ એફઆઇઆર દાખલ કર્યો હતો. કલ્યાણ જીઆરપીના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર વાલ્મીક શાર્દૂલે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે અને રેલવે ટ્રૅક નજીક પોલીસ પૅટ્રોલિંગ વધારી દીધું છે.’

