એક્સપ્રેસ ટ્રેનનો કોચ બે વખત છૂટો પડી જતાં લોકલ મોડી પડી
પ્રતીકાત્મક તસવીર
ગઈ કાલે પરોઢિયે બાંદરાથી ઉત્તર પ્રદેશના રામનગર તરફ જતી એક્સપ્રેસ ટ્રેન વિરાર સુધી પહોંચે એ પહેલાં એક કોચ બે વખત છૂટો પડી જતાં એ ટ્રેન બે કલાક મોડી પડી હતી. જોકે એ દુર્ઘટનામાં કોઈ પણ પ્રવાસીને ઈજા થઈ નહોતી. ટ્રેનમાં છેલ્લે એક ખાલી કોચ આગળના સ્ટેશનથી મુસાફરોને બેસાડવા માટે બંધ રાખવામાં આવ્યો હતો. એ કોચ પહેલી વખત જોગેશ્વરી પાસે અને બીજી વખત વસઈ પાસે ટ્રેનથી છૂટો પડ્યો હતો. આ દુર્ઘટનાને કારણે પશ્ચિમ રેલવેની લોકલ ટ્રેનો દસથી પંદર મિનિટ મોડી દોડતી હતી.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે ‘બાંદરા ટર્મિનસ-રામનગર એક્સપ્રેસ સવારે ૫.૧૦ વાગ્યે બાંદરાથી રવાના થયા પછી પંદરેક મિનિટ પછી અંધેરી અને જોગેશ્વરી વચ્ચે એ ટ્રેનનો છેલ્લો કોચ આગળના કોચથી છૂટો પડી ગયો હતો. કોચને પાછો ટ્રેન સાથે જોડવામાં ઘણો સમય પસાર થતાં ચર્ચગેટ-બોરીવલીની ફાસ્ટ લાઇન પર સબર્બન ટ્રેન-સર્વિસને અસર થઈ હતી. જોગેશ્વરી પાસે કોચને ફરી જોડી દીધા બાદ ૬.૪૦ વાગ્યે આગળનો પ્રવાસ શરૂ થયો હતો. ટ્રેનનો બોરીવલી પહોંચવાનો સમય સવારે ૫.૩૭ વાગ્યાનો છે, પરંતુ ગઈ કાલે એ ટ્રેન સવારે ૭.૦૩ વાગ્યે બોરીવલી પહોંચી હતી. એ ટ્રેન બોરીવલીથી આગળ નીકળ્યા પછી સવારે ૭.૧૭ વાગ્યે નાયગાંવ અને વસઈ વચ્ચે ફરી એ કોચ બાજુના કોચથી છૂટો પડ્યો હતો. અડધે રસ્તે લગભગ ૨૧ મિનિટ ગાડી ઊભી રહ્યા છતાં કોચને જોડી શકાયો નહોતો. તેથી ટ્રેનને આગળ વધારવામાં આવી હતી અને કોચને અન્ય એન્જિનની જોડે વસઈ રોડ યાર્ડમાં પહોંચાડવામાં આવ્યો હતો.’

