બદલાપુરમાં મંગળવારે થયેલા વિરોધ-પ્રદર્શન વિશે ચિત્રા વાઘે કહ્યું...
BJPના વિધાનસભ્ય કિસન કથોરે અને મહિલા નેતા ચિત્રા વાઘે બદલાપુરની ગઈ કાલે મુલાકાત લીધી હતી.
બદલાપુરની સ્કૂલમાં બે બાળકીના વિનયભંગ બાદ પોલીસે ફરિયાદ લેવામાં મોડું કરવાના વિરોધમાં મંગળવારે રેલવે-સ્ટેશન અને સ્કૂલની બહાર આંદોલન કરવામાં આવ્યું હતું. કલાકો સુધી ટ્રેનો રોકી દેવાની સાથે સ્કૂલની મિલકતને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ગઈ કાલે આ ઘટના વિશે ભારતીય જનતા પાર્ટી (BJP)ના મુરબાડના વિધાનસભ્ય કિસન કથોરે અને મહિલા નેતા ચિત્રા વાઘે બદલાપુરની મુલાકાત લીધી હતી. બાદમાં ચિત્રા વાઘે કહ્યું હતું કે ‘આ બનાવ કમનસીબ છે, પણ આંદોલકો પાસે લાડકી બહિણ યોજના રદ કરવાનાં બૅનર ક્યાંથી આવ્યાં? મને સમજાયું જ નહીં કે મામલો શું હતો અને લોકો સરકારની યોજનાનો વિરોધ કેમ કરી રહ્યા હતા. અમારી તપાસમાં જણાયું છે કે બદલાપુરમાં સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓ જ નહીં; ચેમ્બુર, થાણે અને નવી મુંબઈમાંથી લોકોને ૧૦ વાગ્યા બાદ બોલાવવામાં આવ્યા હતા. તેમણે ટ્રૅક પર આવીને ટ્રેનો અટકાવી હતી. આ લોકોને બદલાપુરની ઘટના સાથે શું સંબંધ છે અને તેમને અહીં કોણ લાવ્યું હતું એ થોડા સમયમાં બહાર આવશે.’