એક ચાર્ટર્ડ અકાઉન્ટન્ટે નારાયણ મૂર્તિને એમ કેમ કહ્યું કે...
ફાઇલ તસવીર
ઇન્કમ ટૅક્સ રિટર્ન્સ ફાઇલ કરવાની ડેડલાઇન ૩૧ જુલાઈની છે અને હવે માત્ર ૧૫ દિવસ બાકી રહ્યા છે ત્યારે લૉગઇન કરવામાં અને લૉગઇન થયા બાદ પ્રોસેસ કરવામાં ગયા વર્ષની જેમ મુશ્કેલી થઈ રહી છે જેને લીધે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ અને રિટર્ન ભરનારાઓ હેરાનપરેશાન થઈ ગયા છે. ઇન્કમ ટૅક્સનું પોર્ટલ ઇન્ફોસિસે તૈયાર કર્યું છે. આ કંપનીના સ્થાપક નારાયણ મૂર્તિએ ગયા ઑક્ટોબર મહિનામાં કહ્યું હતું કે ભારતીયોએ અઠવાડિયામાં ૭૦ કલાક કામ કરવું જોઈએ. આ સંદર્ભમાં બૅન્ગલોરના એક ચાર્ટર્ડ અકાઉન્ટન્ટે સોશ્યલ મીડિયા પર કરેલી પોસ્ટ ગઈ કાલે વાઇરલ થઈ હતી. પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે ‘નારાયણ મૂર્તિ સર, તમારી સલાહથી અમે ટૅક્સ પ્રોફેશનલોએ પણ અઠવાડિયામાં ૭૦ કલાકથી વધુ કામ કરવાની શરૂઆત કરી છે. ઇન્કમ ટૅક્સ પોર્ટલ સરળતાથી ચાલે એ માટે ઇન્ફોસિસના કર્મચારીઓને અઠવાડિયામાં એક કલાક તો કામ કરવાનું કહો. ઍડ્વાન્સમાં આભાર.’
બોરીવલીના ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ કહે છે...
ADVERTISEMENT
બોરીવલીમાં ઑફિસ ધરાવતા એક ચાર્ટર્ડ અકાઉન્ટન્ટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગયા વર્ષે તો કંઈક સ્થિતિ સારી હતી. લૉગઇન કરવામાં અને એ પછીની પ્રોસેસમાં સતત એરર આવી રહી છે જેને લીધે એક રિટર્ન ફાઇલ કરવામાં ખૂબ જ સમય જઈ રહ્યો છે. આ મુશ્કેલીને કારણે દરરોજ મોડી રાત સુધી અને વીક-એન્ડમાં પણ કલાકો સુધી બેસીને રિટર્ન્સ ફાઇનલ કરી રહ્યા છીએ તો પણ ૨૦થી ૨૫ ટકા કામ જ થઈ શકે છે. ૩૧ જુલાઈની ડેડલાઇન એક્સટેન્ડ કરવાના મૂડમાં સરકાર નથી, પણ સરકારે પોર્ટલ બરાબર ચાલે એ માટેની કાળજી તો લેવી જોઈએ.’