પોલીસે હટાવી લીધેલી સિક્યૉરિટી બૉમ્બે હાઈ કોર્ટે પાછી અપાવી : થોડા સમય પહેલાં જ છોટા શકીલના નામે જીવંત કારતૂસ સાથે ધમકી મળેલી કે અમારી માગણી ન સ્વીકારી તો હવે ગોળી તારી છાતીમાં મારવામાં આવશે
ગુજરાતી બિલ્ડરની કાર પર મૂકવામાં આવેલી ચિઠ્ઠી અને જીવંત કારતૂસ
બાંદરાના પાલી હિલ વિસ્તારમાં રહેતા અને અંધેરીમાં ઑફિસ ધરાવતા ગુજરાતી બિલ્ડરને અન્ડરવર્લ્ડના ગૅન્ગસ્ટર છોટા શકીલના નામે ખંડણી માટે ધમકીઓ મળતાં બૉમ્બે હાઈ કોર્ટે તાજેતરમાં મુંબઈ પોલીસને તેમને અગાઉ આપવામાં આવેલી સુરક્ષા ફરીથી ચાલુ કરવાની સૂચના આપી છે. ૬ માર્ચે બિલ્ડર અંધેરીના ચાર બંગલા નજીક આવેલી તેમની એક સાઇટ પર ગયા હતા. બહાર પાર્ક કરેલી તેમની કાર પર હાથથી લખેલી ચિઠ્ઠી અને જીવંત કારતૂસ મૂકવામાં આવ્યાં હતાં. હિન્દીમાં લખાયેલી આ ચિઠ્ઠીમાં પોતાને છોટા શકીલના નામે ઓળખાવતી વ્યક્તિએ ચેતવણી આપી હતી કે માગણી નહીં સ્વીકારાઈ તો આગામી ગોળી તેમની છાતીમાં મારવામાં આવશે. આ બનાવ અંગે વર્સોવા પોલીસ-સ્ટેશનમાં કેસ નોંધાયો છે અને એની તપાસ ચાલુ છે. બિલ્ડરના જણાવ્યા મુજબ તેમને આ પહેલાં પણ વિવિધ પ્રકારની ધમકીઓ મળતી રહી છે. બિલ્ડરે પોલીસ-ફરિયાદ કરતાં દાવો કર્યો હતો કે આ ધમકીઓ BKC વિસ્તારમાં ચાલી રહેલા ૧૨ એકરના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ સાથે જોડાયેલી છે અને આ પ્રોજેક્ટ માટે તેમની પાસેથી ૫૦ કરોડ રૂપિયાની ખંડણી માગવામાં આવી રહી છે.
આ મામલે ગુજરાતી બિલ્ડરે હાઈ કોર્ટને પોતાની અરજીમાં જણાવ્યું હતું કે સુરક્ષા બંધ થયા બાદ તેમને નવી ધમકીઓ મળી હતી. કેસની સુનાવણી દરમ્યાન હાઈ કોર્ટે રાજ્ય સરકારને નોટિસ મોકલીને પોલીસને ૨૦૨૫ની ૧૮ ડિસેમ્બરે પ્રોટેક્શન રિવ્યુ કમિટીની બેઠકનો મૂળ રેકૉર્ડ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. હાઈ કોર્ટે કમિટીએ લીધેલા સુરક્ષા હટાવવાના નિર્ણયની કાર્યવાહી પર તાત્કાલિક રોક લગાવી દીધી છે અને બિલ્ડરને સુરક્ષા માટે બે સશસ્ત્ર પોલીસ-કૉન્સ્ટેબલ આપવામાં આવે એવો આદેશ આપ્યો છે. આ મામલે આગળની સુનાવણી ૧૫ એપ્રિલે રાખી છે. એની સાથે જ બિલ્ડરને સુરક્ષાખર્ચ તરીકે ૩ મહિનાના ચાર્જિસ અગાઉથી જમા કરવા કહ્યું છે. આ માટે લગભગ ૧૪ લાખ રૂપિયાની બૅન્ક-ગૅરન્ટી જમા કરાવવાની સૂચના આપવામાં આવી છે.
ADVERTISEMENT
અદાલતના આ આદેશથી અત્યારે બિલ્ડરને પોલીસ-સુરક્ષા ફરી મળી રહી છે.
