હવે લોકોએ વિરાર-ઈસ્ટ અને અર્નાળા પોલીસ-સ્ટેશન સુધી ધક્કા નહીં ખાવા પડે
બોલિંજ પોલીસ-સ્ટેશનનું ઉદ્ઘાટન કરી રહેલા કમિશનર મધુકર પાંડે સહિતના મહાનુભાવો.
મીરા-ભાઈંદર, વસઈ-વિરાર પોલીસ કમિશનરેટની શરૂઆત ૨૦૨૦ની ૧ ઑક્ટોબરે કરવામાં આવી હતી ત્યારે આ ક્ષેત્રમાં કુલ ૧૩ પોલીસ-સ્ટેશન હતાં. આ વિસ્તારમાં સતત વધી રહેલી વસ્તીને ધ્યાનમાં રાખીને અહીં નવાં ૭ પોલીસ-સ્ટેશન બનાવવાનો પ્રસ્તાવ હતો જેમાં ગયાં ત્રણ વર્ષમાં આચોલે, માંડવી, પેલ્હાર, નાયગા અને કાશીગાવ પોલીસ-સ્ટેશનો શરૂ કરી દેવામાં આવ્યાં હતાં. વિરાર-વેસ્ટમાં પણ નવા પોલીસ-સ્ટેશનની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને બોલિંજ વિસ્તારમાં મ્હાડાના કમર્શિયલ બિલ્ડિંગમાં બોલિંજ પોલીસ-સ્ટેશન બનાવવામાં આવ્યું છે જેનું શુક્રવારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
મીરા-ભાઈંદર, વસઈ-વિરાર કમિશનરેટના પોલીસ કમિશનર મધુકર પાંડે સહિતના પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં નાયબ મુખ્ય પ્રધાન અને મહારાષ્ટ્રના ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બોલિંજ પોલીસ-સ્ટેશનનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું હતું.
ADVERTISEMENT
નવા પોલીસ-સ્ટેશનમાં સામેલ છે આ વિસ્તારો
વિરાર-વેસ્ટ, બોલિંજ, ચિખલ ડોંગરી, નારિંગી, વાયકેનગર, મારંબળપાડા, ડોંગેરે, પૂનમનગર, રાજીવનગર, પદ્માવતીનગર, વૈતરણા ખાડી, તિરુપતિનગર, વિરાટનગર, યશવંતનગર, વિઠ્ઠલનગર, ગોકુળ ટાઉનશિપ, રાનપાડા ગાંવ, ખારોડી અને કમાનવાલા નગર.
વિરાર-વેસ્ટમાં વસ્તી વધવાની સાથે ગુનાના પ્રમાણમાં પણ વધારો થયો છે. અહીંના રહેવાસીઓને વિરાર-ઈસ્ટ અથવા તો પાંચેક કિલોમીટર દૂર આવેલા અર્નાળા પોલીસ-સ્ટેશન સુધી કોઈ સમસ્યા હોય તો લાંબું થવું પડતું હતું. હવે આટલે દૂર નહીં જવું પડે - કમિશનર મધુકર પાંડે