મુંબઈને કદરૂપું કરવાના મુદ્દે હાઈ કોર્ટના ઠપકા બાદ BMCની ઊંઘ ઊડી, પણ...: નવાઈની વાત એ છે કે નોટિસ આપ્યા પછી પ્રિન્ટરની સામે કોઈ પણ કાર્યવાહી કરવાની કાયદામાં જોગવાઈ નથી
બૉમ્બે હાઈ કોર્ટની ફાઈલ તસવીર
આખા શહેરમાં ગેરકાયદે હોર્ડિંગ્સ અને બૅનર્સ હોવાથી એની ખિલાફ મહાનગરપાલિકા જરૂરી પગલાં ન લેતી હોવાથી ગયા અઠવાડિયે બૉમ્બે હાઈ કોર્ટ જબરદસ્ત વીફરી હતી અને એણે તમામ રાજકીય પક્ષોને કારણદર્શક નોટિસ ઇશ્યુ કરીને તેમની ખિલાફ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવા બદલ કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટ ઍક્ટ હેઠળ અદાલતના તિરસ્કારની કાર્યવાહી શું કામ ન કરવી જોઈએ એવું પૂછ્યું હતું.
હાઈ કોર્ટના કડક વલણની નોંધ લઈને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ને હવે પૉલિટિકલ પાર્ટીઓ સામે ઍક્શન લેવાને બદલે આ હોર્ડિંગ્સ અને બૅનર્સ છાપનાર પ્રિન્ટર્સને નોટિસ આપવાનું નક્કી કર્યું છે. જોકે નવાઈની વાત એ છે કે આ પ્રિન્ટરોને નોટિસ આપવા સિવાય તેમની ખિલાફ ઍક્શન લેવા માટે કાયદામાં કોઈ જોગવાઈ નથી. આ જ કારણસર ગયા વર્ષે પણ પ્રિન્ટરોને નોટિસ આપ્યા બાદ કોઈ કાર્યવાહી કરવામાં નહોતી આવી.
ADVERTISEMENT
BMCના આ નિર્ણય વિશે એક પ્રિન્ટરે કહ્યું હતું કે ‘જેની સામે કાર્યવાહી કરવાની જરૂર છે ત્યાં BMC કંઈ કરતી નથી અને અમને ફરી હેરાન કરશે. આને લીધે પ્રિન્ટર્સ હોર્ડિંગ્સ કે બૅનર્સ પર પોતાનાં નામ લખવાનું બંધ કરી દેશે તેમ જ રોકડામાં ધંધો વધારી દેશે જેથી સુધરાઈને ઍક્શન લેવા માટે કોઈ રેકૉર્ડ જ ન મળે. એ સિવાય અમને સૌથી વધારે ડર BMCના અધિકારીઓનો લાગે છે, કારણ કે આ નિર્ણયને લીધે અમારી હેરાનગતિ વધી જશે અને અમારે આ ઑફિસરોને નાછૂટકે ધંધો કરવા માટે સાચવવા પડશે.’
ગયા અઠવાડિયે ચીફ જસ્ટિસ ડી. કે. ઉપાધ્યાય અને જસ્ટિસ અમિત બોરકરે રાજ્યમાં વધી રહેલાં ગેરકાયદે હોર્ડિંગ્સ અને બૅનર્સને બહુ જ ખરાબ અને દુખદ પરિસ્થિતિ ગણાવી હતી.