નવી ઍપમાં ઓળખ છુપાવીને પણ વેસ્ટ મૅનેજમેન્ટ, ડ્રેનેજ, અતિક્રમણ જેવા મુદ્દે ફરિયાદ કરી શકાય
નવી ઍપનો લોગો
BMCમાં ફરિયાદ કરવાની પ્રક્રિયા સરળ બનાવવાના હેતુથી શરૂ કરાયેલી નવી મોબાઇલ ઍપ MyBMC MARG નાગરિકો માટે માથાનો દુખાવો બની ગઈ છે. BMCએ જૂની તમામ ઍપ્સ અને વેબસાઇટને એકસાથે જોડીને આ નવી ઍપ લોન્ચ કરી છે, પરંતુ એમાં ફરિયાદ નોંધાવવા માટે યુઝર્સે ૧૫૦ જેટલા વિકલ્પમાંથી પસાર થવું પડે છે.
તાજેતરમાં મેયર રિતુ તાવડેએ આ ઍપ લૉન્ચ કરી હતી જેમાં જો કોઈ વ્યક્તિએ શ્વાન, બિલાડી કે બકરીને લગતી ફરિયાદ કરવી હોય તો એ માટે અલગ-અલગ કૅટેગરી પસંદ કરવી પડે છે. આટલા બધા વિકલ્પને કારણે સામાન્ય માણસ મૂંઝવણમાં મુકાઈ રહ્યો છે. જોકે આ ઍપની એક સારી વાત એ છે કે ફરિયાદી પોતાની ઓળખ છુપાવીને ફરિયાદ નોંધાવી શકે છે.
ADVERTISEMENT
આ ઍપ પર રસ્તા પર પડેલા ખાડા, પાણીપુરવઠો, વેસ્ટ મૅનેજમેન્ટ, ડ્રેનેજ, પેસ્ટ કન્ટ્રોલ અને અતિક્રમણ જેવા મુદ્દા વિશે ફરિયાદ કરી શકાય છે. આ ઍપ્લિકેશન ફોટો અપલોડ, જિયો-ટેગિંગ સહિત ફરિયાદના ઉકેલનું કામ કયા વિભાગ સુધી પહોંચ્યું એને ટ્રૅક કરવાની સગવડ આપે છે.
