ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના અપમાનની આગ મુંબઈ પહોંચી
એ... પડી : ગઈ કાલે ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકરો પર લાઠીચાર્જ કરતી પોલીસ
દેશના ગૃહપ્રધાન અમિત શાહે ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરનું અપમાન કર્યું હોવાનું કહી કૉન્ગ્રેસ જુઠ્ઠાણું ફેલાવી રહી હોવાનો આક્ષેપ કરીને ભારતીય જનતા યુવા મોરચા
(BJYM)ના કાર્યકરોએ ગઈ કાલે આઝાદ મેદાનની પાછળ આવેલી મુંબઈ કૉન્ગ્રેસની ઑફિસ પર મોરચો કાઢ્યો હતો. જોકે BJYMના અધ્યક્ષ તેજિન્દર સિંહ તિવાનાના નેતૃત્વ હેઠળ કાઢવામાં આવેલા આ મોરચામાં કાર્યકરો આક્રમક થઈ ગયા હતા અને તેમણે મુંબઈ કૉન્ગ્રેસની ઑફિસમાં ઘૂસીને તોડફોડ કરી હતી એટલું જ નહીં; કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને મલ્લિકાર્જુન ખડગેના પોસ્ટર પર કાળી શાહી પણ ફેંકી હતી. પરિસ્થિતિને કાબૂ બહાર જતી જોઈને પોલીસે BJPના કાર્યકરો પર લાઠીચાર્જ કર્યો હતો જેમાં અમુક લોકો ઘાયલ થયા હતા.
ગઈ કાલે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસની બહાર બહુજન વંચિત આઘાડીના ચીફ પ્રકાશ આંબેડકરે પણ તેમના કાર્યકરો સાથે દેશના ગૃહપ્રધાને કરેલા વિધાનનો વિરોધ કર્યો હતો.