અમિત શાહને તડીપાર નેતા કહેનારા મરાઠા નેતા પર આશિષ શેલાર બાદ હવે BJPના રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી વિનોદ તાવડેએ પણ કર્યો શાબ્દિક હુમલો
અમિત શાહ, શરદ પવાર, વિનોદ તાવડે
શરદ પવારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને તડીપાર કહ્યા બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)ના એક પછી એક નેતા મરાઠા નેતાને ભૂતકાળ યાદ કરાવી રહ્યા છે. પહેલાં મુંબઈ BJPના અધ્યક્ષ આશિષ શેલારે વળતો જવાબ આપ્યા બાદ BJPના રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી વિનોદ તાવડેએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે શરદ પવાર જ્યારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમણે ભારતના દુશ્મન અને ગૅન્ગસ્ટર દાઉદ ઇબ્રાહિમના સાથીઓને પોતાનું હેલિકૉપ્ટર વાપરવા આપ્યું હતું.
વિનોદ તાવડેએ કહ્યું હતું કે ‘કોર્ટે અમિત શાહને જે સંદર્ભમાં તડીપાર કરવાનો આદેશ આપ્યો હતો એને યોગ્ય રીતે જોવો જોઈએ. કોર્ટના આદેશને તોડી-મરોડીને રજૂ ન કરવો જોઈએ. ગુજરાતની એક કોર્ટે કેસની નિષ્પક્ષ સુનાવણી થઈ શકે એ માટે ગુજરાતના તત્કાલીન ગૃહપ્રધાન અમિત શાહને રાજ્યની બહાર રહેવાનો આદેશ આપ્યો હતો. બાદમાં સુપ્રીમ કોર્ટે સોહરાબુદ્દીનના ફેક એન્કાઉન્ટરના મામલામાં અમિત શાહ સહિતના તમામ આરોપીને નિર્દોષ છોડ્યા હતા. શરદ પવાર મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમણે ગૅન્ગસ્ટર દાઉદ ઇબ્રાહિમના સાથીઓને પોતાનું હેલિકૉપ્ટર વાપરવા માટે આપ્યું હતું. શરદ પવારે તેમના દાઉદ સાથેના સંબંધ વિશે જાહેર કરવું જોઈએ.’